મુંબઈ: જુહુમાં અભિનેતા ટાઇગર શ્રોફ પર ગોળીબારના કેસમાં મહત્ત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે, જે સૂચવે છે કે હુમલાખોરોનું મૂળ લક્ષ્ય ટાઇગર નહોતો. બોલીવૂડની વધુ મોટી સેલિબ્રિટીને શૂટર્સ ટાર્ગેટ કરવાના હતા, પણ કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે એ સેલિબ્રિટી સુધી પહોંચી શકવું શૂટરો માટે મુશ્કેલ હતું.
ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોના જણાવ્યા મુજબ ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરવા બદલ પકડાયેલા ત્રણ શૂટર્સ બોલીવૂડની બીજી મોટી સેલિબ્રિટીને નિશાન બનાવવાના હતા, પરંતુ એ સેલિબ્રિટીની સુરક્ષા એટલી સઘન હતી કે શૂટરોએ પ્લાન બદલી નાખ્યો હતો.
શૂટરોએ ત્યાર બાદ એમ માનીને પોતાનું ધ્યાન ટાઇગર શ્રોફ પર કેન્દ્રિત કર્યું હતું કે તે આસાન લક્ષ્ય હશે, ખાસ કરીને એ ફૂટબોલ રમવા માટે જાય છે ત્યારે, કારણ કે ત્યાં સલામતી વ્યવસ્થા ઓછી હોય છે. શૂટરોએ ટાઇગર શ્રોફને ટાર્ગે કરવાનું નક્કી કર્યા બાદ રવિવારે સાંજના જુહુમાં તેની કાર પર ગોળીબાર કર્યો હતો. જોકે ટાઇગર બચી ગયો હતો, પરંતુ ગોળીબારમાં તેના ડ્રાઇવર સહિત બે જણ ઘાયલ થયા હતા.
દરમિયાન ગોળીબાર બાદ ભાગેલા શૂટરોને કોટા રેલવે સ્ટેશન પર પુણે-જયપુર એક્સપ્રેસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સોમવારે કોટા પહોંચી હતી અને ત્રણેય શૂટરની કસ્ટડી મેળવી હતી. ત્રણેયના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવાયા બાદ તેમને રાતના ચાંપતી સુરક્ષા વચ્ચે રેલવે કોલોની રેલવે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. મંગળવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શૂટરોને લઇને મુંબઇ આવવા રવાના થઇ હતી.