Tue Nov 10 2026

Logo

Tiger Shroff Firing: ટાઇગર શ્રોફથી સલમાન સુધી... લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર કોણ-કોણ? જુઓ બોલિવૂડનું ખતરનાક હિટલિસ્ટ

2026-10-19 14:23:00
Author: Darshana Visaria
Tiger Shroff Firing: ટાઇગર શ્રોફથી સલમાન સુધી... લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર કોણ-કોણ? જુઓ બોલિવૂડનું ખતરનાક હિટલિસ્ટ

માયાનગરી મુંબઈમાં સતત બની રહેલી હિંસક ઘટનાઓએ સમગ્ર બોલીવૂડ ઇન્ડસ્ટ્રી અને મહારાષ્ટ્રની કાયદો-વ્યવસ્થાને હચમચાવી દીધી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સિન્ડિકેટ દ્વારા બોલીવૂડ હસ્તીઓ, રાજનેતાઓ અને કલાકારોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

1998ના કાળિયાર શિકાર કેસથી સલમાન ખાન સાથે શરૂ થયેલી આ દુશ્મનાવટ હવે ફિલ્મ જગતના અનેક દિગ્ગજ કલાકારો અને નિર્માતાઓ સુધી પહોંચી ગઈ છે, જેનાથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા બાદ આ ગેંગના રડાર પર રહેલા અન્ય મોટા નામો ફરી ચર્ચામાં આવ્યા છે.

ટાઈગર શ્રોફની કાર પર અંધાધૂંધ ફાયરિંગ (ઓક્ટોબર 2026)
18મી ઓક્ટોબર, 2026ના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં ફૂટબોલ મેચ પતાવીને ઘરે પરત ફરી રહેલા એક્શન સ્ટાર ટાઇગર શ્રોફની કાર પર મોટરસાઇકલ સવાર હુમલાખોરોએ તાબડતોબ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટાઇગર શ્રોફ ચમત્કારિક રીતે બચી ગયા હતા, પરંતુ તેમના ડ્રાઇવર અને કારમાં સવાર અન્ય લોકોને ગોળી વાગતાં ઈજા પહોંચી હતી. હુમલા બાદ બિશ્નોઈ ગેંગના અનિલ પંડિત અને હરમન સંધૂએ સોશિયલ મીડિયા પર જવાબદારી લેતાં ખુલ્લી ચેતવણી આપી કે સલમાન ખાન સાથે કામ કરનારા કે તેમનું સમર્થન કરનારા તમામને બક્ષવામાં નહીં આવે.

સલમાન ખાન અને ગેલેક્સી એપાર્ટમેન્ટ પર હુમલો
લોરેન્સ ગેંગની હિટલિસ્ટમાં ટોચ પર રહેલા સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર 14મી એપ્રિલ, 2024 વહેલી સવારે બાઇક સવારોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલા પાછળ બિશ્નોઈ નેટવર્કના શાર્પશૂટર્સ વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય સલમાનના પિતા સલીમ ખાનને સવારની મોર્નિંગ વૉક દરમિયાન ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો.

બાબા સિદ્દીકીની હત્યા (ઓક્ટોબર 2024)
12 ઓક્ટોબર, 2024ની રાત્રે મુંબઈમાં એનસીપી (NCP)ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બાબા સિદ્દીકી સલમાન ખાનના અત્યંત નિકટના માનવામાં આવતા હતા. પોલીસ તપાસ મુજબ, બોલિવૂડમાં ભય ફેલાવવા અને સલમાન ખાનના નજીકના નેટવર્કને તોડી પાડવાના હેતુથી આ હત્યાકાંડ આચરવામાં આવ્યો હતો.

રોહિત શેટ્ટીના ઘર બહાર ગોળીબાર (ફેબ્રુઆરી 2026)
જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસર રોહિત શેટ્ટી પણ આ ગેંગના નિશાના પર આવી ચૂક્યા છે. 31મી જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી, 2026ની મધરાતે જુહુ સ્થિત શેટ્ટી ટાવર પર અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ શુભમ લોનકર અને આરઝૂ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર આ હુમલાને માત્ર એક 'ટ્રેલર' ગણાવી જવાબદારી લીધી હતી અને શેટ્ટીને તેમના મામલામાં દખલ ન કરવાની ચેતવણી આપી હતી.

રણવીર સિંહ પાસેથી કરોડોની ખંડણીની માગ
ફેબ્રુઆરી 2026માં અભિનેતા રણવીર સિંહના મેનેજરને વોટ્સએપ કૉલ અને વોઇસ નોટ્સ દ્વારા જંગી રકમની ખંડણી માગતા મેસેજ મળ્યા હતા. નાણાં ન ચૂકવે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી હતી, જેની તપાસમાં પણ તાર સીધા લોરેન્સ નેટવર્ક સાથે જોડાયેલા મળ્યા હતા.

અન્ય હસ્તીઓ પણ ભયના ઓછાયા હેઠળ
પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. કૉમેડિયન કપિલ શર્માને પોતાના શો પર સલમાન ખાનને આમંત્રિત કરવા બાબતે ધમકી મળી હતી. આ ઉપરાંત બોલીવૂડ સ્ટાર આમિર ખાનને પણ આ ગેંગ તરફથી ધમકી મળ્યાની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.