Thu Nov 19 2026

Logo

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો: શાર્પસૂટર અને સગીર આરોપીની ચોંકાવનારી ક્રાઈમકુંડળી બહાર આવી!

2026-10-19 16:57:14
Author: Mayur Patel
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો: શાર્પસૂટર અને સગીર આરોપીની ચોંકાવનારી ક્રાઈમકુંડળી બહાર આવી!

નવી દિલ્હી/મુંબઈઃ બોલીવુડ સ્ટાર્સ પર ફરી એક વખત અંડરવર્લ્ડની નજર પડી હોય તેમ લાગે છે. ટાઈગર શ્રોફ સાથે જોડાયેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓની ક્રાઈમ કુંડળી સામે આવ્યા બાદ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સોનીપતના રહેવાસીઓ બંને આરોપીની ક્રાઈમકુંડળી કંઈક અંશે અલગ અલગ છે. એક આરોપી ઓછું ભણ્યા પછી પણ શાર્પસૂટર બની ગયો. નવમાં ધોરણમાં નાપાસ થયા બાદ ગુનાખોરીના રવાડે ચડ્યો હતો. ગેરકાયદે હથિયાર રાખવાના મામલે જેલમાં જઈ ચુક્યો હતો, જ્યારે બીજો આરોપી સગીર છે અને તેના પિતા પત્થર તથા ટાઈલ્સ લગાવવાનું કામ શીખવાડી રહ્યા હતા. આ મામલે બંનેની ધરપકડથી તેમના પરિવારજનો પણ દંગ થઈ ગયા છે.

રેહાન સોનીપતના દેવરુ ગામનો રહેવાસી છે. પરિવારના જણાવ્યા અનુસાર તેણે નવમા ધોરણમાં નાપાસ થયા પછી અભ્યાસ છોડી દીધો હતો. ત્યાર પછી તે કામની શોધમાં લાગી ગયો હતો. જોકે, તેની જિંદગીમાં ગુનાખોરીનો એક અધ્યાય પણ જોડાઈ ચૂક્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, રેહાન ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં પહેલા પણ જેલ જઈ ચૂક્યો છે. પરિવારે તેને ખોટા રસ્તાથી દૂર રહેવા અને મહેનત-મજૂરી કરીને પોતાનું જીવન સુધારવા માટે ઘણી વાર સમજાવ્યો હતો, પરંતુ હવે ટાઇગર શ્રોફ સાથે જોડાયેલા ફાયરિંગ કેસમાં તેની ધરપકડે પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. કહેવાય છે કે રેહાને પોતાના પિતાથી લગભગ બાર વર્ષ પહેલાથી અલગ થઈ ગયો હતો.

રેહાન તેની માતા સમસિદા અને નાના ભાઈ સાથે મોસાળમાં રહેતો હતો. તેની માતા ખાનગી કંપનીનીમાં કામ કરે છે. રેહાન 12 વર્ષ પહેલા જ તેના પિતાથી અલગ થઈ ગયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારજનો મુજબ જેલમાંથી છૂટ્યા પછી તે વેલ્ડિંગનું કામ કરવા લાગ્યો હતો. બકરીઈદ પર તે ઘરે આવ્યો હતો. તહેવાર મનાવ્યા પછી કામે જવાનું કહીને નીકળી ગયો હતો. પરિવારજનોને જાણ નહોતી કે તે આવા કોઈ ગંભીર કેસમાં પકડાઈ શકે છે.

આ કેસમાં પકડાયેલો બીજો આરોપી પણ સોનીપતનો રહેવાસી છે અને સગીર છે. તેના પિતાના જણાવ્યા અનુસાર, દીકરો ગોહાનામાં પથ્થર અને ટાઇલ્સ લગાવવાનું કામ શીખી રહ્યો હતો. તે 13 તારીખે ઘરે આવ્યો હતો, પરંતુ ત્યાર પછી ક્યાં જતો રહ્યો તેની તેમને કોઈ માહિતી નથી.

સગીરના પિતા પોતે દિવ્યાંગ છે અને ઈંટો તોડીને મજૂરીકામ કરે છે. આ જ મહેનતથી પરિવારનું ગુજરાન ચાલે છે. ફાયરિંગ જેવા ગંભીર કેસમાં દીકરાનું નામ સામે આવતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પિતાએ આશંકા વ્યક્ત કરી કે ક્યાંક કોઈ તેને ફોસલાવીને તો નથી લઈ ગયું ને? તેમણે અભિનેતા સાથે જોડાયેલી ફાયરિંગની ઘટનાને ખોટી ગણાવી હતી.

હવે પોલીસ બંને આરોપીઓની આ કેસમાં શું ભૂમિકા હતી, ઘટના પાછળ અન્ય કઈ વ્યક્તિ કે નેટવર્કનો હાથ છે કે નહીં તે જાણવાની કોશિશ કરી રહી છે. આ ઉપરાંત આરોપીઓની ભૂમિકા તથા મામલા સાથે જોડાયેલી અન્ય બાબતોની ચકાસણી કરી રહી છે.