મુંબઈ: જુહુમાં ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફ પર ગોળીબારના કેસમાં વિશેષ એમસીઓસીએ કોર્ટે તમામ 11 આરોપીને 6 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી.
મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળ નવેસરથી ધરપકડ કરાયા બાદ આરોપીઓને ગુરુવારે વિશેષ જજ સત્યનારાયણ નાવંદર સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા અને કહ્યું હતું કે હુમલા પાછળના કાવતરાનો પર્દાફાશ કરવા માટે તેમની વિગતવાર પૂછપરછ જરૂરી છે.
જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કાર પર 18 ઑક્ટોબરે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં 11 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે મંગળવારે તેમની સામે એમસીઓસીએ લગાવ્યો હતો.
ટાઇગર શ્રોફ સાંજના ફૂટબોલ ગ્રાઉન્ડમાંથી નીકળીને કારમાં જઇ રહ્યો હતો ત્યારે પુષ્પા પાર્ક પાસે શૂટરોએ તેની કાર પર પાંચથી છ રાઉન્ડ ફાયર કર્યું હતું, જેમાં અભિનેતા બચી ગયો હતો, પરંતુ તેના ડ્રાઇવર સહિત બે જણ ઘાયલ થયા હતા.
બાદમાં લોરન્સ બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. આ કેસમાં પોલીસે જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇના સાગરીત અનિલ પંડિતને વોન્ટેડ આરોપી બતાવ્યો છે. પોલીસે ત્રણ શૂટરને રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી, જ્યારે બાકીના આરોપીઓને દિલ્હી અને હરિયાણાથી ઝડપી પાડ્યા હતા.
(પીટીઆઇ)