Tue Nov 10 2026

Logo

ટાઈગર શ્રોફ પર ગોળીબારનો કેસ: નાણાં ટ્રાન્સફરમાં સામેલ આરોપીને છ દિવસની પોલીસ કસ્ટડી

2026-10-31 20:25:33
Author: Yogesh C. Patel
ટાઈગર શ્રોફ પર ગોળીબારનો કેસ: નાણાં ટ્રાન્સફરમાં સામેલ આરોપીને છ દિવસની પોલીસ કસ્ટડી

મુંબઈ: બોલિવૂડના અભિનેતા ટાઈગર શ્રોફ પર જુહુ પરિસરમાં ગોળીબાર કરવાના કેસમાં હરિયાણાથી પકડાયેલા 12મા આરોપીને શનિવારે વિશેષ એમસીઓસીએ કોર્ટે 6 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

હરિયાણાના સોનીપતથી પકડાયેલા આરોપી અમર મુંદિયાએ તેના બૅન્ક ખાતામાંથી આ કેસના સહઆરોપીના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં, એવું પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું.

આ કેસમાં નાણાંની લેવડદેવડ અને તે માટે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી ડિજિટલ ઍપ્લિકેશન્સના પરીક્ષણ માટે મુંદિયાની કસ્ટડીની જરૂર હોવાની દલીલ તપાસકર્તા પક્ષે કરી હતી.

જોકે મુંદિયાના વકીલ અજિંક્ય મિરગલે કસ્ટડીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે આ કેસમાં અનેક સહઆરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

મિરગલે કહ્યું હતું કે કસ્ટડી મેળવવા માટે પોલીસ વારંવાર એકની એક રજૂઆત કરે છે. એ સિવાય ટેક્નિકલ અને બૅન્કિંગ વિગતો માટે કસ્ટડીમાં પૂછપરછની જરૂર નથી.

કેસ ડાયરી અને આરોપોને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ)ના સ્પેશિયલ જજ પ્રધાને મુંદિયાને પોલીસ કસ્ટડીમાં સોંપવાનું જરૂરી હોવાનું નોંધ્યું હતું. પરિણામે વધુ તપાસ માટે તેને છઠ્ઠી નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)