મુંબઈઃ બોલીવૂડ એક્ટર ટાઇગર શ્રોફની કાર પર જુહુ વિસ્તારમાં થયેલા અંધાધૂંધ ગોળીબારના સનસનાટીભર્યા કેસમાં મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટિ-એક્સ્ટોર્શન સેલની તપાસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી સ્પેશિયલ સેલ અને રાજસ્થાનના કોટાથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, હુમલાખોરોએ ટાઇગર શ્રોફની ગાડી પર ફાયરિંગ કરતાં પહેલાં મુંબઈના અંધેરી સ્થિત એક હોટલમાં પિસ્તોલ ચલાવવાની બાકાયદા પ્રેક્ટિસ કરી હોવાની માહિતી સામે આવી રહી છે.
સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર મુંબઈના અંધેરી ખાતે ટાઈગર શ્રોફ પર હુમલો કરવા પહેલાં આરોપીઓ દ્વારા પ્રેક્ટિસ દરમિયાન અજાણતાં એક મિસફાયર પણ થયું હતું અને ગોળી હોટલના રૂમની દીવાલ/ફર્નિચરમાં ઘૂસી ગઈ હતી. છતાં આરોપીઓ કોઈ પણ ડર વગર ત્યાંથી નીકળીને આ પ્લાનને સફળ કરવા માટે નીકળી પડ્યા હતા.
પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા શૂટર્સ હુમલો કરતાં પહેલાં અંધેરી વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. ત્યાં તેમને દિલ્હીથી આવેલી બે યુવતીઓ (રાધા અને બબીતા) દ્વારા પિસ્તોલ અને જીવતા કારતૂસ પહોંચાડવામાં આવ્યા હતા.
હોટલના બંધ રૂમમાં જ્યારે શૂટર્સ હથિયાર તપાસી રહ્યા હતા અને ગોળીબારની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક મિસફાયર થઈ ગયું હતું. આ ગોળી હોટલના રૂમમાં વાગી હતી, પરંતુ અવાજ બહાર ન ફેલાય તે રીતે તેમણે સ્થિતિ સંભાળી લીધી હતી અને તાત્કાલિક ત્યાંથી ચેકઆઉટ કરી ભાગી ગયા હતા.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અનુસાર, હુમલાખોરોના મૂળ ટાર્ગેટ લિસ્ટમાં અન્ય મોટા બોલીવૂડ સેલેબ્સના ઘરની રેકી સામેલ હતી. જોકે, ત્યાં પોલીસનો કડક બંદોબસ્ત હોવાને કારણે તેમણે જુહુ ખાતે ફૂટબોલ ક્લબમાંથી બહાર નીકળતી વખતે ટાઇગર શ્રોફની કારને સોફ્ટ ટાર્ગેટ બનાવીને નિશાન બનાવી હતી. ઘટના બાદ શૂટર્સ પલ્સર બાઇક લઈને પશ્ચિમ રેલવેના અંધેરી રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં બાઈકને બિનવારસી છોડીને લોકલ ટ્રેન મારફતે ફરાર થઈ ગયા હતા.
મુંબઈ પોલીસ અને એન્ટિ-એક્સ્ટોર્શન સેલ દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં રાજસ્થાનના કોટા, દિલ્હી અને હરિયાણાથી મુખ્ય શૂટર્સ સહિત હથિયાર સપ્લાય કરનાર મહિલાઓ મળી કુલ સાતથી વધુ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે મુખ્ય આરોપીઓને 31મી ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે. પોલીસ હવે અંધેરીમાં આવેલી એ હોટલની પણ ફોરેન્સિક તપાસ કરી રહી છે જ્યાં મિસફાયર થયેલી ગોળીના નિશાન મળ્યા હોવાનું સામે આવ્યું છે.