Sat Nov 07 2026

Logo

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈથી દિલ્હી સુધી રાજકારણ ગરમાયું, વિપક્ષે કાયદો-વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો

2026-10-19 14:34:00
Author: Mumbai Samachar Team
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ: મુંબઈથી દિલ્હી સુધી રાજકારણ ગરમાયું, વિપક્ષે કાયદો-વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો

મુંબઈઃ મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં હવે રાજકીય પ્રતિક્રિયાઓ મળી રહી છે, જેમાં મુંબઈથી લઈને છેક દિલ્હી સુધી રાજકીય નેતાઓએ સરકારને ઘેરી છે. આ કેસમાં ત્રણ શુટર્સને રાજસ્થાનના કોટામાંથી પકડી લેવામાં આવ્યા છે. આ ઘટનાએ હવે રાજકીય રંગ પકડ્યો છે. વિપક્ષ અને સત્તા પક્ષના નેતાઓ સામસામે આવી ગયા છે. વિપક્ષના નેતાઓએ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિ પર વાત કરે છે તો સત્તામાં રહેલો પક્ષ કેસને ગંભીર ગણાવીને ઊંડી તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ફાયરિંગ કાંડના દોષીઓને નહીં બક્ષવાનું જણાવ્યું હતું.

દોષીને ચોક્કસ મળશે સજા
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સામેલ કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. જેઓ આની પાછળ છે તેમને સજા ચોક્કસ મળશે. અમે આવી ઘટનાઓને સાંખી લઈશું નહીં. આ બાબતે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ લોકો મહારાષ્ટ્ર કે દેશની અંદરથી કામગીરી નથી કરતા, પરંતુ વિદેશથી સંચાલન કરે છે. કોઈ પણ ગેંગથી ડરવાની જરૂર નથી. તેઓ છુપાઈને ધમકીઓ આપે છે, તેમ છતાં અમે દરેક ધમકીને ગંભીરતાથી લઈએ છીએ. 

આ એક ગંભીર ઘટના છે અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. આ ભાડૂતી શૂટરો હતા. તેઓ કાયર છે. તેઓ સીધો સામનો કરવાને બદલે છુપાઈને હુમલો કરે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું હતું કે, આ એક ગંભીર ઘટના છે. જેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. આ દેશમાં કોઈ કાયદો અને વ્યવસ્થા જેવી વસ્તુ નથી. મુંબઈની હાલત ખરાબ છે. આ દેશમાં શું સામાન્ય નાગરિક સુરક્ષિત છે ખરા? 

આખરે સરકાર શું કરે છે?
આ સરકાર પાસે હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારી છે, પણ કાયદો વ્યવસ્થા સંભાળી શકતા નથી. સાંસદ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એક બાજુ દુકાળ છે, રાજ્યની આર્થિક સ્થિતિ પણ સારી નથી, જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્રમાં હુમલાઓ થાય છે, જે ગંભીર બાબત છે. એક બારામતી અને બીજો મુંબઈમાં. આખરે સરકાર શું કરી રહી છે? તમારો જવાબ હશે હુમલા બે અલગ અલગ જગ્યા પર થયા છે. 

NCPના એમએલસી ઝીશાન સિદ્દીકીએ જણાવ્યું હતું કે મુંબઈ જેવા શહેરમાં જેને ઘણી વાર ડ્રીમસિટી' કહેવામાં આવે છે, ત્યાં આવી ઘટનાઓ બને તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. મારા પિતાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 2024માં બની હતી તેમ છતાં, આવી ઘટનાઓ સતત બની રહી છે. અમે દરેક સ્તરે ન્યાય મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમને ન્યાય મળવાની આશા છે. પરંતુ આવું ક્યારેય ન થવું જોઈતું હતું. સરકાર માટે આ બાબતે સઘન તપાસ કરાવવી અનિવાર્ય છે.

રાજ્ય સરકાર પર નિશાન તાંક્યુ
આમ આદમી પાર્ટી (આપ)ના સ્થાપક અને ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જેઓ પોતાના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા સંભાળી શકતા નથી, તેમણે દેશના સૌથી કુખ્યાત ગેંગસ્ટરને જાણે કે 'જમાઈ' બનાવીને તેને પોતાના સંરક્ષણમાં રાખ્યો છે.  

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ગુનાઓ આચરવા માટેની તમામ સુવિધાઓ પૂરી પાડી છે. તેમ છતાં તેઓ આવતીકાલે પંજાબ આવીને અમને કાયદો અને વ્યવસ્થા અંગે શિખામણ આપવાની યોજના ધરાવે છે. પંજાબની જનતા જાણે છે કે તેમને મત આપવો એટલે તેમના 'જમાઈ'ને પંજાબમાં આમંત્રણ આપવા સમાન છે.