Thu Nov 19 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ પાંખો ફૂટવાની વેળા

2026-11-05 11:49:00
Author: Shweta Joshi Antani
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ પાંખો ફૂટવાની વેળા

શ્વેતા જોષી અંતાણી

‘પણ મમ્મી, તું મને એકલી કેમ નથી જવા દેતી?’ વાણીએ કદાચ વીસમી વખત એ જ સવાલ કર્યો.
‘કારણ કે તું હજી એટલી મોટી નથી થઈ કે એકલી જઈ શકે.’
‘મમ્મી, હું સોળ વર્ષની છું. હવે કેટલી મોટી થાઉં તો તને વિશ્ર્વાસ આવશે?’
‘આ ચર્ચાનો કોઈ અર્થ નથી, વાણી. મેં ના પાડી છે એટલે ના.’

‘પણ રિદ્ધિમા, માનવી અને કાવ્યા બધા જ કોચિંગ ક્લાસમાં પોતાની રીતે આવે છે. કોઈની મમ્મી એમને લેવા-મૂકવા આવતી નથી. તો પછી મારે જ કેમ કોઈની સાથે જવું પડે?’
સંધ્યા પાસે એનો કોઈ નવો જવાબ નહોતો. એણે એકનો એક જવાબ દોહરાવ્યો : 
‘તું હજી નાની છે અને દુનિયા એટલી સુરક્ષિત નથી.’    
વાણીએ ગુસ્સામાં પોતાનું માથું પકડી લીધું. 

‘એક દિવસ હું ખરેખર ઘર છોડીને ભાગી જઈશ!’ બબડતી એ પોતાના રૂમમાં જતી રહી. પથારી પર આડી પડતાં એણે ઇયરફોન લગાવી દીધાં, પણ આજે મનપસંદ ગીતો પણ એને શાંત કરી શકતાં નહોતાં. એને સૌથી વધુ તકલીફ એ વાતની હતી કે સંધ્યા એને જરા પણ સ્વતંત્રતા આપવા તૈયાર નહોતી. પપ્પા પણ આ બાબતમાં મમ્મીની જ તરફેણ કરતા. બીજી બાજુ, રિદ્ધિમા સ્કૂટી લઈને આવતી, માનવી સાઇકલ પર આવતી અને કાવ્યા તો વળી બસમાં એકલી મુસાફરી કરતી. અને વાણી? એને તો મમ્મી કે પપ્પા કોઈ મૂકવા-લેવા આવે ત્યારે જ બહાર જવાની છૂટ મળતી.

દસમા ધોરણના નવા કોચિંગ ક્લાસમાં આ બાબત એને જરા વધુ શરમજનક લાગતી. અહીં એની સ્કૂલની જૂની સહેલીઓ નહોતી, જેમની સાથે એ બાળપણથી મોટી થઈ હતી. અહીં અલગ-અલગ સ્કૂલોમાંથી આવતાં અનેક ટીનએજર્સ હતા. એક દિવસ પપ્પા એને કોચિંગ ક્લાસે મૂકવા આવ્યા ત્યાં રિદ્ધિમા અને કાવ્યા સ્કૂટી પર મજાક-મસ્તી કરતાં ત્યાં પહોંચ્યાં. પપ્પાએ જતાં પહેલાં હંમેશ માફક ટકોર કરી, ‘ધ્યાન રાખજે બેટા.’ બન્ને સહેલીઓએ એકબીજાની સામે જોઈને હસવાનું દબાવ્યું. વાણીને એ હાસ્ય પોતાના આત્મસન્માન પર ઘા જેવું લાગ્યું.

એક દિવસે સાંજે મમ્મી દૂધનો ગ્લાસ લઈને આવી.
‘લે, જતાં પહેલાં દૂધ પી લે.’ વાણીએ મોઢું બગાડ્યું. ‘મમ્મી, હું હવે નાની બાળકી નથી. દરેક વાતમાં ટકોર કરવી જરૂરી છે? સંધ્યાએ એના વાળમાં હાથ ફેરવ્યો. થોડી ક્ષણો માટે વાણીને એ સ્પર્શ ગમ્યો, પણ તરત જ એ બોલી ઊઠી : ‘મમ્મી, પ્લીઝ! મને ક્લાસમાં હવેથી એકલી જવા દે. હું પણ બીજા લોકોની જેમ મારી રીતે જીવવા માગું છું.’ સંધ્યાનો હાથ અટકી ગયો. 

‘હવે બસ, મમ્મી. હું આજથી જાતે જ જઈશ.’ સંધ્યા કંઈ સમજે એ પહેલાં વાણી બૅગ લઈને ઘર બહાર નીકળી ગઈ. કોચિંગ ક્લાસ સુધી ચાલીને જવું શક્ય નહોતું. એટલે એ બસસ્ટૉપ પર ઊભી રહી. આજે પહેલી વાર એને પોતાની આસપાસના અજાણ્યા લોકોની વચ્ચે ઊભા રહેવામાં પણ એક પ્રકારનો આનંદ આવ્યો. હાથમાં ઑફિસની બૅગ લઈને જતા લોકો, શાકભાજીની થેલી સાથે ઊભેલી સ્ત્રીઓ, ખોળામાં બાળકને લઈને બસની રાહ જોતાં દાદી... બધાં પોતપોતાની રીતે સ્વતંત્ર હતાં. આજે વાણીને પણ એ જ સ્વતંત્રતાનો અનુભવ થતો હતો.

‘અરે, વાણી! તું અહીં?’ પાછળથી અવાજ આવ્યો. એ રિદ્ધિમા હતી. થોડી જ વારમાં કાવ્યા પણ સ્કૂટી લઈને આવી પહોંચી.
‘આજે આન્ટી નથી આવ્યાં?’ કાવ્યાએ મજાકમાં પૂછ્યું.

વાણીએ કોઈ જવાબ આપ્યો નહીં. થોડી વારમાં બસ આવી. એ બસમાં ચડી ગઈ. ભીડ હતી, ગરમી હતી, ધક્કામુક્કી હતી, છતાં એને અનેરો આનંદ આવ્યો. કોચિંગ ક્લાસના સ્ટૉપ પર ઊતરીને એ ગલી તરફ વળી ત્યાં જ એને લોકોની ભીડ દેખાઈ. કોઈ બૂમો પાડતું હતું, તો કોઈ મદદ માટે દોડી રહ્યું હતું. એણે નજીક જઈને જોયું તો એના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. રિદ્ધિમાના સ્કુટરને અકસ્માત નડ્યો હતો. એનો પગ સોજી ગયેલો. ફ્રૅક્ચર થયું હોય એ રીતે એ કણસી રહેલી. વાણી ભયથી ધ્રૂજી ઊઠી. સામે ઊભેલી લોહીલુહાણ કાવ્યાની આંખોમાં પણ આંસુ હતાં.

‘રિદ્ધિમાના પપ્પાને ખબર જ નથી કે એ સ્કૂટી ચલાવે છે. મારા પેરન્ટ્સને પણ એમ જ છે કે હું સાઇકલ લઈને જાઉં છું. હવે ઘરે શું જવાબ આપીશ?’ કાવ્યા હીબકાં ભરતાં બોલી. વાણી આશ્ચર્યથી એને જોઈ રહી. જે છોકરીઓને એ સૌથી વધારે સ્વતંત્ર અને નસીબદાર માનતી હતી, એમની પોતાની પણ કેટલીય મજબૂરીઓ હતી!

‘ચિંતા ના કરો. હું તમારા ઘરે વાત કરીશ. અત્યારે સૌથી પહેલાં શાંત થાઓ,’ અકસ્માતના સમાચારે ત્યાં દોડી આવેલા ટીચરે વચ્ચે પડી એકઠી થયેલી ભીડ વિખેરતાં કહ્યું. અને ઈશારાથી વાણી તેમ જ અન્ય વિદ્યાર્થીઓને ક્લાસમાં જવા સૂચના આપી. વાણી પાછી ફરતી હતી કે અચાનક જમીન પર બેસેલી રિદ્ધિમાએ એનો હાથ પકડી લીધો: 

‘સૉરી વાણી. અમે તારી મજાક ઉડાવતાં હતાં.’ એ કંઈ બોલી નહી. માત્ર ‘ધ્યાન રાખજે તારું’ કહીને નીકળી ગઈ.

ક્લાસમાં પહોંચીને વાણીએ મમ્મી સંધ્યાને ફોન લગાવ્યો, ‘મમ્મી... હું પહોંચી ગઈ છું. ચિંતા ના કરતી.’ સામેથી તરત અવાજ આવ્યો, ‘તું એકલી ગઈ? ક્યાંથી ફોન કરે છે? તને ખબર છે હું કેટલી ચિંતામાં હતી? હવે ક્લાસ પૂરો થાય પછી ત્યાં જ રહેજે. હું લેવા આવીશ.’ વાણીએ ધીમેથી કહ્યું, ‘હા મમ્મી, પણ પ્લીઝ સ્કૂટી આજે મને ચલાવવા દેજે.’ આ વખતે એના અવાજમાં જીદ નહોતી, પણ વિનંતી હતી.
 
આજની દુર્ઘટનાએ વાણીને સમજાવ્યું હતું કે મોટા થવું એટલે માત્ર એકલા બસમાં મુસાફરી કરવી કે સ્કૂટી ચલાવવી એટલું જ નથી. મોટા થવું એટલે પોતાની સ્વતંત્રતા સાથે જવાબદારી સ્વીકારવી અને બીજાની ચિંતાને પણ સમજવી. આમ પણ પાંખો ફૂટવાની ઉંમરે જાતને ઊડતાં રોકવી એના કરતાં માતા-પિતાની હૂંફમાં ઊંચા અવકાશે ઉડાન ભરતાં શીખવું વધું જરૂરી છે.