Sat Oct 10 2026

Logo

અકસ્માતમાં ઘવાયેલી મહિલા, તેના બે પુત્રને 16.5 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

2026-09-16 18:57:10
Author: Yogesh D. Patel
અકસ્માતમાં ઘવાયેલી મહિલા, તેના બે પુત્રને 16.5 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2023માં જૂના મુંબઇ-પુણે હાઇવે પર ટેમ્પોની અડફેટમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલા અને તેના બે પુત્રને 16.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ટ્રિબ્યુનલના સભ્ય આર.વી. મોહિતેએ મંગળવારે ન્યૂ ઇન્ડિયા એશ્યુરન્સ કંપની લિમિટેડને પ્રથમ વળતર ચૂકવવાનો અને વીમાની શરતોના ભંગ બદલ તે રકમ વાહનના માલિક પાસેથી વસૂલવાનો આદેશ આપ્યો હતો. 
27 માર્ચ, 2023ના રોજ પ્રતિભા વીરેન્દ્ર સિંહ (ત્યારે 26 વર્ષની વયની) તેના બંને પુત્ર રચિત (ત્યારે 6 વર્ષનો) અને નિતેશ (5)ને શાળાથી લઇને પુણે જિલ્લાના માવળ તાલુકામાં આવેલા નાયગાંવમાં પોતાના ઘરે પાછી ફરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

તેઓ જૂના મુંબઈ-પુણે હાઇવે પર હોટેલ નજીક માર્ગ ઓળંગી રહ્યાં હતાં ત્યારે પૂરપાટ વેગે આવેલા ટેમ્પોએ તેમને અડફેટમાં લીધાં હતાં. અકસ્માતમાં ત્રણેય જણ ગંભીર રીતે ઘવાયાં હતાં અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. 

પુણે જિલ્લાની કામશેત પોલીસે આ પ્રકરણે ટેમ્પો ડ્રાઇવર ગણેશ રામપિસે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને પૂરપાટ વેગે તથા બેદરકારીપૂર્વક વાહન હંકારવા બદલ તેની સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. (પીટીઆઇ)