Sat Nov 07 2026

Logo

થાણેમાં લૂંટ ચલાવવા આવેલી ટોળકી પકડાઇ: ચાર પિસ્તોલ, એક રિવોલ્વર અને 56 કારતૂસો જપ્ત

2026-11-04 20:01:57
Author: Yogesh D. Patel
થાણેમાં લૂંટ ચલાવવા આવેલી ટોળકી પકડાઇ: ચાર પિસ્તોલ, એક રિવોલ્વર અને 56 કારતૂસો જપ્ત

થાણે: થાણેમાં લૂંટ ચલાવવા આવેલી ટોળકીના પાંચ સભ્યને ક્રાઇમ બ્રાન્ચે સાકેત વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચાર પિસ્તોલ, એક રિવોલ્વર અને 56 કારતૂસો જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રિતીક શશિકાંત તિવારી ઉર્ફે રાહુલ, શુભમ સુનીલ તિવારી, કાર્તિકકુમાર વિનોદ ચૌધરી, બ્રિજકિશોર તિવારી અને મૃત્યુંજય પ્રદીપ ચૌબે તરીકે થઇ હતી. આરોપીઓ ઝારખંડ અને છત્તીસગઢના રહેવાસી છે.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓને માહિતી મળી હતી કે કેટલાક લૂંટારા લૂંટ ચલાવવા માટે સાકેત વિસ્તારમાં પાલિકાની ટાંકી નજીક મંગળવારે આવવાના છે. આથી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન સાંજે પાણીની ટાંકી નજીક આવેલા પાંચ શખસની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસ ટીમે તેમને તાબામાં લીધા હતા.

પાંચેય જણની તલાશી લેવામાં આવતાં તેમની પાસેથી ઘાતક શસ્ત્રો મળી આવ્યાં હતાં. પોલીસે શસ્ત્રો જપ્ત કરીને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. આરોપીઓએ શસ્ત્રો ક્યાંથી મેળવ્યાં હતાં, તેની તપાસ કરવામાં આવી રહી છે.

વધુ જુઓ...