થાણે: થાણે જિલ્લાની કોર્ટે રૂપિયાને મુદ્દે થયેલા વિવાદમાં વેપારીના પુત્રના માથામાં પાવડાથી પ્રહાર કરીને તેની હત્યાનો પ્રયાસ કરવા બદલ પચીસ વર્ષના આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ જી.ટી. પવારે આરોપી શાહરુખ સાદિક શેખને દોષી ઠેરવ્યો હતો અને તેને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર આરોપી શાહરુખ શેખનો રૂપિયાને મુદ્દે 4 માર્ચ, 2025ના રોજ હુસેન ખાન સાથે વિવાદ થયો હતો અને શેખે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ જ સાંજે શેખે મસ્જિદ નજીક ખાનને આંતર્યો હતો અને તેના માથામાં પાવડાથી પ્રહાર કર્યો હતો, જેને કારણે તેની ખોપડીમાં ફ્રેક્ચર થયું હતું.
હુસેન ખાન અને મેડિકલ ઓફિસર્સની જુબાની તથા નજરે જોનાર સાક્ષીદારોની અંશત: જુબાની પર આધાર રાખીને કોર્ટે બચાવ પક્ષની એ દલીલને ફગાવી દીધી હતી કે મસ્જિદના પગથિયાં પર અકસ્માતે પડી જવાથી ખાનને ઇજા પહોંચી હતી.
કોર્ટે આરોેપી શેખને ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ દોષી ઠેરવીને તેને સજા ફટકારી હતી. શેખને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો અને દંડની રકમ ન ભરે તો વધારાના છ મહિનાની કેસ ભોગવવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)