Sat Nov 07 2026

Logo

થાણેમાં ગર્ભવતી પત્નીના દહેજ મૃત્યુ કેસમાં એન્જિનિયરને 10 વર્ષની જેલ

2026-11-05 17:44:12
Author: Yogesh D. Patel
થાણેમાં ગર્ભવતી પત્નીના દહેજ મૃત્યુ કેસમાં એન્જિનિયરને 10 વર્ષની જેલ

મૃતકનું સ્ત્રીધન તેની માતાને પરત કરવાનો કોર્ટનો આદેશ

થાણે: થાણેની કોર્ટે 2021માં ગર્ભવતી પત્નીના દહેજ મૃત્યુ કેસમાં મિકેનિકલ એન્જિનિયરને 10 વર્ષની જેલ ફટકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે કાર અને રૂપિયાની માગણીને લઇ મહિલાને હિંસા અને ત્રાસનો સામનો કરવો પડ્યો હતો.

કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે મૃતકનું ‘સ્ત્રીધન’ (સોનાના દાગીના અને અન્ય વસ્તુઓ) યોગ્ય ચકાસણી બાદ તેની માતાને પરત કરવામાં આવે. એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે બુધવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે મહિલાના શરીર પર જોવા મળેલી ઇજાઓ અને તે ઇજાઓ કેવી રીતે થઇ તે સમજાવવામાં આરોપીની નિષ્ફળતા સાક્ષીદારોએ હુમલા અંગે આપેલી જુબાનીને સમર્થન આપે છે.

કોર્ટે આરોપી ઇન્દ્રજીત જયરાજરાવ ધવળે (38)ને ભારતીય દંડસંહિતાની કલમ 498-એ (ક્રૂરતા) અને 304-બી (દહેજ મૃત્યુ) હેઠળ દોષી ઠેરવ્યો હતો અને તેને સજા ઉપરાંત પંદર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આરોપી પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળના લાભ માટે હકદાર નથી.

એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર મનીષા પાવસેએ કોર્ટને કહ્યું હતું કે મૃતક મેઘા પણ મિકેનિકલ એન્જિનિયર હતી અને ખાનગી કંપનીમાં કામ કરતી હતી. તેનાં લગ્ન 3 જુલાઇ, 2017ના રોજ આરોપી સાથે થયાં હતાં. 14થી 16 સપ્તાહની ગર્ભવતી મેઘા 27 જૂન, 2021ના રોજ થાણેના કોલશેત રોડ પર આવેલા તેમના ફ્લેટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પહેલી જુલાઇએ તેનું મૃત્યુ થયું હતું, એમ તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું.

કોર્ટે નોંધ્યું હતું  કે મેઘાના શરીર પર અનેક ઇજાઓ હતી અને તેની પીઠ અને ગાલ પર ઉઝરડા હતા. ઇજાઓ દર્શાવે છે કે ગળાફાંસો ખાધા પહેલા તેને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. ઘટના પછીનું આરોપીનું વર્તન સત્ય છુપાવવાના પ્રયાસનો સંકેત આપે છે. આરોપીએ શરૂઆતમાં મેઘાના પિતા અને અન્ય સાક્ષીઓને કહ્યું હતું કે મેઘા બાથરૂમમાં પડી ગઇ હતી. તેના માતા-પિતા જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે આરોપીએ તેમને મેઘાને મળવા દીધા નહોતા અને ખોટો દાવો કર્યો હતો કે તેને કોવિડ થયો છે. (પીટીઆઇ)

વધુ જુઓ...