થાણે: વન્યજીવોની તસ્કરી સાથે સંકળાયેલી કથિત સિન્ડિકેટનો પર્દાફાશ કરી મીરા-ભાયંદર પોલીસે આશરે પાંચ કરોડ રૂપિયાનું કોબ્રાનું ઝેર જપ્ત કર્યું હતું. આ તસ્કરીમાં સંડોવાયેલા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મળેલી માહિતીને આધારે પોલીસના ક્રાઈમ ડિટેક્શન યુનિટના અધિકારીઓએ 29 ઑક્ટોબરે કાશીગાંવ વિસ્તારમાં દોડિયા પેટ્રોલ પમ્પ નજીક છટકું ગોઠવ્યું હતું. મીરા રોડ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ ગણપત પિંગળેએ જણાવ્યું હતું કે આરોપી મોહમ્મદ દાનિશ ફઈમ ખાન (23) અને અબ્દુલ કરીમ રશિદ અહમદ શેખ (51)ને તાબામાં લેવાયા હતા. તેમની પાસેથી કોબ્રાનું ઝેર ભરેલી કાચની બે શીશી મળી આવી હતી. શીશીમાંના ઝેરની કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
બન્ને આરોપીને તાબામાં લેવાયા તે સ્થળેથી થોડે જ દૂર ત્રીજા શકમંદ ફૈઝાન અબ્દુલ અઝીઝ (30)ને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની પાસેથી એક બાઈક અને ત્રણ મોબાઈલ ફોન હસ્તગત કરાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસની ટીમ બે મુખ્ય સપ્લાયર સુધી પહોંચી હતી. મુંબઈમાં માનખુર્દ ખાતેના ટ્રોમ્બે પરિસરમાં રહેતા ફારુક અલી અબ્દુલ અલી (37) અને નૂર મોહમ્મદ વલી મોહમ્મદ શેખ (47)ની પણ ધરપકડ કરવામાં આવી હતી. બન્ને આરોપીએ ઝેર સપ્લાય કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
આ પ્રકરણે આરોપીઓ વિરુદ્ધ કાશીગાંવ પોલીસ સ્ટેશનમાં વાઈલ્ડલાઈફ (પ્રોટેક્શન) ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)