Tue Oct 06 2026

Logo

વાહન ટોઇંગ કરતી વખતે પોલીસ ટીમને ધમકી આપવાનો આરોપ: બિઝનેસમૅન નિર્દોષ જાહેર

2026-09-18 17:04:41
Author: Yogesh D. Patel
વાહન ટોઇંગ કરતી વખતે પોલીસ ટીમને ધમકી આપવાનો આરોપ: બિઝનેસમૅન નિર્દોષ જાહેર

થાણે: 2017માં વાહન ટોઇંગની કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમને ધમકી આપવાના આરોપનો સામનો કરી રહેલા વેપારી અને ભાજપની નગરસેવિકાના પતિને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે સાક્ષીદારોની જુબાનીમાં વિસંગતિઓ હોવાનું નોંધ્યું હતું.

એડિશનલ સેશન્સ જજ એસ.એસ. રેન્ગેએ ગુરુવારે શેરબહાદુર સુરેશ સિંહને ભારતીય દંડસંહિતા હેઠળ ગુનાહિત ધાકધમકી અને પબ્લિક સર્વન્ટને ફરજ બજાવતા અટકાવવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો.

29 સપ્ટેમ્બર, 2017ના રોજ આ ઘટના બની હતી, જ્યારે ગેરકાયદે પાર્કિંગની ફરિયાદ મળ્યાબાદ પોલીસ ટીમ ખાનગી ટોઇંગ ક્રેન સાથે થાણેના નલપાડા વિસ્તારમાં પહોંચી હતી.

તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યો હતો કે શેરબહાદુર સિંહે પોલીસ ટીમને રોકી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેણે અધિકારીઓને ધમકી આપી હતી અને ક્રેનને આગ ચાંપી દીધી હતી. તેણે વાહનમાં હાજર પોલીસ કર્મચારીને બહાર ખેંચવાનો પ્રયાસ પણ કર્યો હતો.

જોકે ઊલટતપાસ દરમિયાન તપાસકર્તા પક્ષના સાક્ષીદારે કબૂલ્યું હતું કે સિંહે પોલીસ ટીમની પૂછપરછ કરી હતી અને ખાનગી ક્રેનની નોંધણી તથા અધિકૃત દસ્તાવેજોની માગણી કર્યા બાદ વિવાદ થયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષે ક્રેનની નોંધણીની વિગતો, દસ્તાવેજો અને કરાર રજૂ કરવામાં નિષ્ફળ ગયો હતો.

(પીટીઆઇ)