કોલકાતા: હાલ પશ્ચિમ બંગાળ સહિત દેશના અનેક રાજ્યોમાં ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર જો કોઈ બાબત હોય તો તે છે પશ્ચિમ બંગાળ. તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે, ત્યારે આ ચૂંટણીના મેદાનમાં જીતનો નેજો ફરકાવવા માટે ભાજપ લોહીપાણી એક કરી દીધું છે. આ બધાની વચ્ચે એકસમયે TMCને સાથ આપનારા ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી લિએન્ડર પેસે આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો ખેસ પહેરી લેતા સર્વત્ર ચર્ચા જાગી છે.
ભારતીય ટેનિસ જગતના દિગ્ગજ ખેલાડી લિએન્ડર પેસે આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો ખેસ પહેર્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીઓ પહેલાં આ એક અત્યંત મહત્વપૂર્ણ ઘટનાક્રમ માનવામાં આવે છે. નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્ય મથક ખાતે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુની હાજરીમાં તેઓ પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે રિજિજુએ તેને 'ઐતિહાસિક દિવસ' ગણાવતા કહ્યું કે, જે સમયે ભારતના નામે ઓલિમ્પિકમાં મેડલ નહોતા આવતા, તે સમયે પેસે દેશનું નામ રોશન કર્યું હતું અને હવે તે ભાજપના મંચ પરથી દેશની સેવા કરશે. કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સાથેની તાજેતરની મુલાકાત બાદ પેસના આ નિર્ણયની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી.
Renowned tennis player Leander Paes joins BJP in the presence of senior BJP leaders in New Delhi. #JoinBJP pic.twitter.com/z7LQz3VFC4
— BJP (@BJP4India) March 31, 2026
ઉલ્લેખનીય છે કે રાજકારણમાં લિએન્ડર પેસ માટે આ સફર નવી નથી; વર્ષ 2021 માં તેઓ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાયા હતા અને 2022 માં ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન મમતા બેનર્જીના પક્ષ માટે જોરશોરથી પ્રચાર પણ કર્યો હતો. જોકે, હવે ભાજપમાં જોડાઈને તેમણે જૂના જોડાણ સાથે છેડો ફાડી દીધો હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. ભાજપમાં જોડાયા બાદ પેસે પોતાની બંગાળી પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, "મારી માતા બંગાળી છે, આજે પણ બંગાળ અને તમિલનાડુમાં રમતગમત માટે વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે." તેમણે ટેનિસમાં સ્ત્રી-પુરુષ સમાનતાનું ઉદાહરણ આપીને બાળકોને સશક્ત બનાવવાની વાત કરી હતી. હવે જોવાનું એ રહેશે કે ગ્લેમર અને રમતગમતના આ 'સ્ટાર પાવર'થી બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપને કેટલો ફાયદો થાય છે.