Wed Sep 16 2026

Logo

તેલંગાણામાં ગમખ્વાર અકસ્માત; ટેન્કરે ઓટોને જોરદાર ટક્કર મારતા 5 મહિલાઓ સહિત 6ના મોત

2026-08-12 09:37:00
Author: Vimal Prajapati
તેલંગાણામાં ગમખ્વાર અકસ્માત; ટેન્કરે ઓટોને જોરદાર ટક્કર મારતા 5 મહિલાઓ સહિત 6ના મોત

સંગારેડ્ડી: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક ગંભીર અકસ્માત થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મંગળવારે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. સંગારેડ્ડી જિલ્લાના સતવાર પાસે એક ટેન્કરે પેસેન્જર ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં પાંચ મહિલાઓ સહિત છ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં હતા. આ સાથે છ અન્ય લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

ઓટો રિક્ષામાં ડ્રાઇવર સહિત કુલ 12 લોકો સવાર હતા

અકસ્માત એટલો ભયાનક હતો કે ઓટો રિક્ષાના કૂચેકૂચા ઊડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઓટો રિક્ષામાં ડ્રાઇવર સહિત કુલ 12 લોકો સવાર હતા. આ તમામ લોકો પાડોશી રાજ્ય કર્ણાટકના બીદર જિલ્લાના રાજગેરા ગામના નિવાસી અને ખેતમજૂર હોવાનું પોલીસે જણાવ્યું છે.

મજૂરીકામ કરીને આવતા વચ્ચે નડ્યો અકસ્માત

આ લોકો દિવસ દરમિયાન ખેતરોમાં મજૂરીકામ પૂરું કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. મૃતકોમાં ઓટો ચાલક દેવદાસ ઉપરાંત રેખા, શ્રીદેવી, કવિતા, રેશમા અને નિકિતાનો સમાવેશ થાય છે. જ્યારે નિર્મલા, તુલજમ્મા, ચંદ્રકલા, રાધિકા, શિલ્પા અને શોભા ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે આ માર્ગ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કેટલાક દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ વ્યક્ત કર્યું ઊંડું દુઃખ

ઘટનાની જાણ થતાં જ તેલંગાણાના મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીએ આ અકસ્માત પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જિલ્લા પ્રશાસન તેમજ હોસ્પિટલને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.