Sun Nov 15 2026

Logo

હાર્દિક જેવો કોઈ નહીં...ગંભીર તેમ જ ગિલ અને શ્રેયસ દ્વારા અસરદાર ઑલરાઉન્ડરની શોધ ચાલુ જ છે...

2026-10-16 17:17:57
Author: Ajay Motiwala
હાર્દિક જેવો કોઈ નહીં...ગંભીર તેમ જ ગિલ અને શ્રેયસ દ્વારા અસરદાર ઑલરાઉન્ડરની શોધ ચાલુ જ છે...

નવી દિલ્હીઃ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની ફિટનેસની સમસ્યા અને ટીમ ઇન્ડિયામાં વાપસી (comeback) કરવા માટે થઈ રહેલા વિલંબને લીધે ભારતીય ટીમમાં ઑલરાઉન્ડરનો મુદ્દો ચર્ચાસ્પદ થઈ ગયો છે. ભારત પાસે દાયકાઓથી ભરોસાપાત્ર ઑલરાઉન્ડર્સની વારંવાર તંગી જોવા મળી છે અને એવામાં હાર્દિકના કમબૅક વિશે ભારતીય ટીમે જે રાહ જોવી પડી રહી છે એ મામલો ગંભીર છે. હવે સવાલ એ છે કે હેડ-કોચ ગૌતમ ગંભીર તેમ જ ટેસ્ટ તથા વન-ડેનો સુકાની શુભમન ગિલ અને ટી-20નો કૅપ્ટન શ્રેયસ ઐયર સહિતનું ટીમ મૅનેજમેન્ટ કેવા પગલાં લેશે.

મિડલ-ઑર્ડરમાં સ્ફોટક બૅટિંગ કરવી, પેસ-પાવરથી ટીમને વિકેટો અપાવવી અને ચુસ્ત ફીલ્ડિંગથી મૅચમાં 20-30 રન રોકવા તથા કૅચ ઝીલવા આ બધી વિશેષતાઓને લીધે ટીમને હાર્દિકની ખોટ ખૂબ વર્તાઈ રહી છે. તેનો અનુગામી ઑલરાઉન્ડર શોધવો એટલે ટીમ માટે તેમ જ સિલેક્ટરો માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. રવીન્દ્ર જાડેજા હવે ટી-20 ઇન્ટરનૅશનલ નથી રમતો એટલે તેની હાજરી મર્યાદિત થઈ ગઈ છે એવામાં ટીમને શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી તથા નમન ધીર જેવા ખેલાડીઓના વિકલ્પો અજમાવવા પડી રહ્યા છે.

ઑક્ટોબર, 2027ના વન-ડે વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરવાની યોજના શરૂ થઈ ચૂકી છે, પણ હાર્દિકની અપૂરતી ફિટનેસ વિઘ્ન બની રહી છે. તે પૂર્ણપણે ફિટ થઈને (વન-ડેમાં 10 ઓવર બોલિંગ કરી શકે એટલી હદે ફિટ થયા બાદ) ટીમમાં પાછો ક્યારે ફરશે એની રાહ જોવાઈ રહી છે.

મિડલ-ઑર્ડરના બૅટથી ઝડપથી રન બનવા જોઈએ એવી સ્થિતિ સર્જાય ત્યારે હાર્દિક યાદ આવે છે, મૅચની બાજી પલટાવવાની હોય ત્યારે તેમ જ શરૂઆતની તેમ જ મિડલની અને ડેથ ઓવરમાં વિકેટો જોઈતી હોય ત્યારે પણ હાર્દિકની ખોટ વર્તાય છે. કોઈ પણ મૅચ જ્યારે છેલ્લી ઓવર સુધી પહોંચી રહી હોય ત્યારે મેદાન પર હાર્દિકની હાજરીથી કૅપ્ટનના મનમાં જીતવાની આશા જાગતી હોય છે.

જોકે અત્યારે સવાલ એ છે કે જો હાર્દિકને કમબૅક કરવામાં વધુ મોડું થશે તો ઑલરાઉન્ડર તરીકે તેનું સ્થાન કોણ લેશે? હાર્દિકની ખાસિયત એ છે કે તે ટીમને એકસાથે અનેક વિકલ્પો આપી શક્તો હોય છે. તે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ જેવો સ્પેશ્યાલિસ્ટ પેસ બોલર નથી, પણ કૅપ્ટન અલગ-અલગ પરિસ્થિતિમાં તેના પર ભરોસો જરૂર કરી શકે છે.

હાર્દિક ફિટનેસની સમસ્યાને કારણે 2026ની આઇપીએલ બાદ મેદાનથી દૂર રહ્યો છે. ઑસ્ટ્રેલિયા-એ સામેની સિરીઝથી તેનું (ઇન્ડિયા-એ વતી રમીને) કમબૅક થવાનું હતું, પરંતુ એ પણ હવે નથી થવાનું. બોલિંગ કરતી વખતે તેને જમણા પગના નીચેના ભાગમાં દુખાવો થતો હોવાથી તેની વાપસી વિલંબિત થઈ છે.

હાર્દિકની ગેરહાજરીમાં હાલમાં શિવમ દુબેને બૅટિંગ ઉપરાંત મધ્યમ ગતિની બોલિંગની જવાબદારી સોંપાઈ છે. તે લાંબી સિક્સર ફટકારવા માટે તેમ જ સ્પિનર્સ સામે આક્રમક બૅટિંગ કરવા માટે જાણીતો છે. જોકે હાર્દિકની માફક સતતપણે અસરદાર બોલિંગ કરવા માટે તેના પર ભરોસો મૂકી ન શકાય. નીતીશ કુમાર રેડ્ડી મિડલ-ઑર્ડરમાં ઉપયોગી બૅટિંગ કરી શકે છે અને સાથી બૅટ્સમૅનને સારો સાથ આપી શકે છે

તેમ જ તેની પેસ બોલિંગ પર પણ થોડો ઘણો ભરોસો મૂકી શકાય, પરંતુ હાર્દિક જેવી ભૂમિકા ભજવી નથી શક્તો. બીજું, નીતીશ રેડ્ડીને વારંવાર ઈજા થતી હોય છે અને તેની ફિટનેસ પણ ચર્ચામાં રહે છે. નવોસવો નમન ધીર સ્પિનથી કૅરિબિયનોને મુસીબતમાં મૂકી દેવા સારી બૅટિંગ પણ કરી જાણે છે એમ છતાં હાર્દિક જેવી ઑલરાઉન્ડર તરીકેની ક્ષમતા હજી સુધી કોઈ પણ ખેલાડીમાં દેખાતી નથી.