Tue Nov 17 2026

Logo

રાજ્યસ્તરની ધોરણ 12ની ટોપરને CM વિજયે પહેરાવ્યો સોનાનો હાર, વિદ્યાર્થીઓને કરી ભાવુક અપીલ...

2026-11-05 09:50:00
Author: Mumbai Samachar Team
રાજ્યસ્તરની ધોરણ 12ની ટોપરને CM વિજયે પહેરાવ્યો સોનાનો હાર, વિદ્યાર્થીઓને કરી ભાવુક અપીલ...

ચેન્નઈ: તમિલનાડુના મુખ્યપ્રધાન અને ટીવીકેના પ્રમુખ સી. જોસેફ વિજયે ધોરણ 12ની રાજ્યસ્તરની ટોપર વિદ્યાર્થીનીને સોનાનો હાર પહેરાવી સન્માનિત કરી હતી. ચેન્નઈના નીલાંકરાઈ ખાતે યોજાયેલા શિક્ષણ પુરસ્કાર સમારોહમાં વિજયે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પ્રોત્સાહક રકમ આપી સન્માનિત કર્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજયનો આ પહેલો શિક્ષણ પુરસ્કાર કાર્યક્રમ હતો.

શૈક્ષણિક સત્રમાં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાને વિજયે રાજ્યકક્ષાએ 12માં ધોરણની વિદ્યાર્થિનીને પ્રશસ્તિપત્ર સાથે સોનાનો હાર ભેટ આપ્યો હતો અને પોતાના હાથે પહેરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓને સંબોધતા વિજયે કહ્યું કે તેઓ અહીં રાજકીય ભાષણ આપવા, મત માગવા કે પક્ષની વાત કરવા આવ્યા નથી, પરંતુ એક મોટા ભાઈ તરીકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આવ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને હાલ રાજકારણથી દૂર રહી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જીવનમાં મોટા લક્ષ્યો હાંસલ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી મુજબ જીવન ઘડવું જોઈએ અને સફળતા મેળવ્યા બાદ સમાજ તથા તમિલનાડુના વિકાસ વિશે વિચારવું જોઈએ.

વિજયે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને જ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. માતા-પિતા, સમાજ અને સમગ્ર તમિલનાડુને વિદ્યાર્થીઓ પાસેથી ઘણી આશાઓ છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની અલગ ઓળખ બનાવવાની સલાહ આપતાં કહ્યું કે જો કોઈ તેમના માર્ગમાં અવરોધ ઊભા કરે, તો તે તેમની સફળતાની નિશાની છે. મુશ્કેલીઓથી ડર્યા વિના આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ.

મુખ્યપ્રધાને વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર, લાંચ અને નશીલા પદાર્થોથી દૂર રહેવાની ખાસ અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ ખરાબ આદતના ગુલામ બનવું નહીં અને મિત્રો કે આસપાસના લોકો ખોટા માર્ગે દોરવાનો પ્રયાસ કરે તો પણ પોતાના વિચારો અને સિદ્ધાંતો પર અડગ રહેવું જોઈએ. અભ્યાસ, મહેનત અને દૃઢ નિશ્ચયથી જીવનમાં ઊંચાઈઓ હાંસલ કરી શકાય છે, એવો સંદેશ તેમણે આપ્યો હતો.

કાર્યક્રમમાં તિરુવન્નામલાઈની ધોરણ 12ની વિદ્યાર્થીની મોનિકાએ 600માંથી 566 ગુણ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. મુખ્યપ્રધાનના હાથે સન્માન મેળવવું તેના માટે ખાસ ક્ષણ હોવાનું અને આ સન્માન આવનારી પેઢીને પ્રેરણા આપશે તેમ તેણે કહ્યું હતું. કુડ્ડલોરની ધોરણ 10ની વિદ્યાર્થીની શ્રીનિધિએ 500માંથી 494 ગુણ મેળવ્યા હતા. મુખ્યપ્રધાન તરફથી મળેલું સન્માન તેના અને તેની શાળા માટે ગૌરવની વાત હોવાનું તેણે જણાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ સિદ્ધિ મેળવવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.