સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં ફરાર દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીચાને ઝડપી પાડવા ગયેલી રાજકોટ રેન્જની ટીમ સાથે ઝપાઝપી થઈ હતી.
આરોપીએ પોલીસની પકડમાંથી છટકી જવા સાથે PSIની સરકારી પિસ્તોલ છીનવી લેવાનો પ્રયાસ કરતાં પરિસ્થિતિ તંગ બની હતી. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મળતી વિગત અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામનો રહેવાસી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીચા વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર હતો. તેને ઝડપી પાડવા રાજકોટ રેન્જની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન સાયલા તાલુકાના ગોસાળ ગામના રસ્તા પર આવેલા ગોસળીયા હનુમાનજી મંદિર નજીકથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
તેની સામે સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, ધજાળા પોલીસ સ્ટેશનમાં ખંડણી, વીંછિયા પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ સંબંધિત ગુનાઓ, સાણંદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા લીંબડી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ સંબંધિત ગુના નોંધાયેલા છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ સહિતના વિસ્તારોમાં તેની સામે 15થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો પણ સામે આવી છે. વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી મળી રહી છે.

ફરાર આરોપીને ઝડપી પાડવાની કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીએ સરકારી પિસ્તોલ છીનવી લેવાનો પ્રયાસ કયા સંજોગોમાં કર્યો, પોલીસ કર્મચારીઓ સાથે થયેલી ઝપાઝપી અને સ્વબચાવમાં કરવામાં આવેલા ફાયરિંગની સમગ્ર ઘટનાક્રમ સહિતના મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં રહેશે.
રાજકોટ રેન્જની ટીમ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ ઘાયલ આરોપીની સારવાર અને સમગ્ર ઘટનાની તપાસને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ફરાર આરોપીને પકડવાની કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાએ સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં ચર્ચા જગાવી છે.