સુરત: સુરત કોર્પોરેશનના પુણાગામ વિસ્તારમાં પીવાના પ્રદૂષિત પાણીની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં આ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી પૂરતા પ્રેશરથી પાણી ન આવવાની અને પ્રદૂષિત પાણીની ફરિયાદ સતત કરવામાં આવી રહી છે.જેના પગલે સ્થાનિક મહિલાઓ વિરોધ કરવા રસ્તા પર ઉતરી હતી.
મહિલાઓ વિરોધ કરવા રસ્તા પર ઉતરી
આ અંગે મળતી માહિતી મુજબ સુરતના પુણા ગામ વિસ્તારમાં છેલ્લા ચાર માસથી પ્રદૂષિત પાણીની ફરિયાદો કરવામાં આવી રહી છે. જોકે, તેમ છતાં કોર્પોરેશન તંત્ર દ્વારા આ અંગે કોઇ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે આ વિસ્તારની મહિલાઓમાં તંત્ર સામે આક્રોશ વધી રહ્યો છે. જેના પગલે આજે મહિલાઓ વિરોધ કરવા માટે ખાલી ડોલ, ટબ અને બેડાં લઈને રસ્તા પર ઉતરી આવી હતી.
રોગચાળો ફાટી નીકળવાનો ભય
તેમજ રોડ પર આવીને મહિલાઓએ વાસણ ખખડાવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મહિલાઓનો આક્ષેપ છે કે છેલ્લા ચાર માસથી સોસાયટીમાં પૂરતા પ્રેશરથી પાણી ન મળવાને કારણે રોજિંદા વપરાશ માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ તેના લીધે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.
પુણાગામની આ ઘટનાએ તંત્રની વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી
આ ઉપરાંત મહિલાઓએ પાલિકા તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે શુદ્ધ અને પૂરતા પ્રેશરમાં પાણીનો પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકાની ઝોન ઓફિસ ખાતે માટલા ફોડીને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.સુરત શહેરમાં પાણીની ગુણવત્તા અને પુરવઠાને લઈને અવારનવાર ફરિયાદો પ્રકાશમાં આવી રહી છે. પુણાગામની આ ઘટનાએ તંત્રની વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે.