Mon Sep 14 2026

Logo

સુરતમાં ટેક્સટાઈલ યુનિટો બંધ થતા પરપ્રાંતિય શ્રમિકોએ હિજરત શરૂ કરી

2026-03-23 13:24:00
Author: Mayur Patel
સુરતમાં ટેક્સટાઈલ યુનિટો બંધ થતા પરપ્રાંતિય શ્રમિકોએ હિજરત શરૂ કરી

 

સુરતઃ ડાયમંડની સાથે ટેક્સટાઈલ નગરી તરીકે ઓળખ ધરાવતા સુરતમાં પણ ઈરાન યુદ્ધની અસર જોવા મળી રહી છે. સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશાના શ્રમિકો મોટી સંખ્યામાં કામ કર છે. ઈરાન યુદ્ધના કારણે ગેસનો પુરવઠો ખોરવાતાં અનેક લોકો વતન પરત ફરી રહ્યા છે.

પરપ્રાંતીયો મોટાભાગે નાના ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ હાલ આવા ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી. ઉપરાંત હોટલો બંધ થવાથી તેમને ઝટકો લાગ્યો છે.  સામાન્ય રીતે સુરતના કપડા ઉદ્યોગમાં રવિવારે અડધા દિવસની રજા હોય છે પરંતુ ડાઈંગમાં ઉપયોગમાં લેવાતા ગેસના અપૂરતા પુરવઠાના કારણે શનિ-રવિ બે દિવસની રજા કરી દેવામાં આવી છે.

ગેસની અછતના કારણે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ પર અસર થઈ છે તો બીજી તરફ વિવિધ ડાઈંગ મિલોમાં કામ કરતાં કારીગરો પણ ઝપેટમાં આવ્યા છે. તમામ લોકો પાસે એલપીજી સિલિન્ડર નથી. નાના સિલિન્ડરમાં ગેસ ભરાવીને તેઓ રસોઈ બનાવતા હોય છે.  આ સિલિન્ડર બંધ થતા તેઓ ઢાબા અને રેસ્ટોરન્ટ તરફ વળ્યા હતા પરંતુ ગેસની અછતના કારણે ત્યાં ભાવ વધી ગયા છે. સામાન્ય રીતે 60 રૂપિયામાં મળતી થાળી 120 રૂપિયા થઈ ગઈ છે. જેના કારણે શ્રમિકો વતન જઈ રહ્યા છે.

વતન જતા શ્રમિકોના કહેવા પ્રમાણે, ગામડામાં તેઓ લાકડાથી જમવાનું તો બનાવી શકશે. રેલવે અધિકારીના કહેવા પ્રમાણ, ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ક્યારે અટકશે તેની અનિશ્ચિતતા હોવાથી યુપી, બિહાર, ઓડિશાના શ્રમિકો વતન પરત ફરી રહ્યા છે. ગત સપ્તાહે ઘણા શ્રમિકો ઈદ માતે વતન ગયા હતા. 

રેલવે અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનોનું સંચાલન સામાન્ય છે. મુસાફરોની ઓક્યુપેંસી પણ ઠીક છે. ટ્રેનો ઓવરલોડ નથી. ટ્રેનમાં આવવા કે ઉપડવા સમયે ભીડ થવી સ્વાભાવિક છે. સુરત અને ઉધના સ્ટેશન પર ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા લાગુ છે. ટોચના અદિકારીઓ સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે.

સૂત્રોના કહેવા પ્રમાણે, ગેસની પરેશાની કરતાં પણ વધારે પેનિક સ્થિતિ છે. સુરતથી જે રાજ્યોના શ્રમિકો વતન જઈ રહ્યા છે તેઓ પહેલા પાકની લણણી અને લગ્ન માટે એપ્રિલના અંતમાં જતા હતા પરંતુ યુદ્ધ અને ગેસ સંકટના કારણે આ વખતે વહેલા રવાના થઈ રહ્યા છે.