Tue Sep 15 2026

Logo

લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો, 11 યુવકને છેતર્યાનો આરોપ

2026-08-02 17:39:11
Author: Pooja Shah
લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયો, 11 યુવકને છેતર્યાનો આરોપ

representative image


અમદાવાદઃ લગ્ન કરવા ઈચ્છતા યુવકો ઘણીવાર અજાણ્યા લોકો પર ભરોસો કરી ઠગાઈ જતા હોય છે. આવા લગભગ 11 જેટલા યુવકને છેતરી તેમની પાસેથી રૂપિયા પડાવી છૂ થઈ જતી લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સુત્રધાર હિતેશ કાપડીયા સુરત પોલીસના સકંજામાં આવી ગયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ ગેંગમાં લગભગ પાંચેક યુવતીઓ સામેલ છે, જેમણે સુરતમાં કાપોદ્રા, ઉત્રાણ, અડાજણ, અમરોલી, રાજકોટ અને અમદાવાદ સહિતના 11 યુવકને છેતર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. 

આ ગેંગનો મુખ્ય સુત્રધાર હિતેશ નામ બદલીને યુવકોના લગ્ન કરાવતો હતો અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં યુવતીઓ દાગીના, રોકડ રકમ લઈ ફરાર થઈ જતી હતી. ગોંડલના એક યુવકે રૂ. 3.50 લાખ જેટલી રકમ આપતો હોવાનો વીડિયો પણ બનાવ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. પોલીસે હિતેશને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ મુસ્તાકે હિતેશનો લગ્ન ઈચ્છુક યુવક તરીકે સંપર્ક કર્યો હતો. હિતેશે તેના લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી અને કોન્સ્ટેબલે પૈસા આપવાની તૈયારી બતાવી હતી. પોલીસે છટકું ગોઠવ્યું હતું તે પ્રમાણે પૈસા લેવા હિતેશ સુરત આવતા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.