અમદાવાદઃ સુરતમાં એક પરિવાર માટે ગણેશોત્સવ દરમિયાન કરૂણાંતિકા સર્જાઈ હતી. વેન્ટિલેશન વગરના બાથરૂમમાં ગણપતિની આરતી પહેલા ન્હાવા ગયેલી સુરતની 15 વર્ષની સગીરાનું ગીઝરના ઝેરી ગેસમાં ગુંગળાઈ જવાથી મોત નિપજ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. અગાઉ શહેરમાં એક પરિવારના ત્રણ જણ મોતને ભેટ્યા હતા. સાત મહિનામાં આ બીજો બનાવ છે.
સૂત્રો દ્વારા ઘટનાની મળતી વિગતો અનુસાર કતારગામ ગુરુદ્વારા વિસ્તારમાં રહેતા સોસાયટીમાં રહેતા અને જીગ્નેશભાઈ વરીયાની પુત્રી પ્રિયમ ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી.
પરિવારની સોસાયટીમાં ગણેશોત્સવ ઉજવાતો હોય, આરતીમાં ભાગ લેવા માટે સવારે પ્રિયમ સોસાયટીમાં બાથરૂમમાં નહાવા ગઈ હતી. દીકરીને ન્હાવામાં એક કલાક કરતા વધારે સમય થયો હોવાથી પરિવારે દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. આખરે દરવાજો તોડીને જોતાં પ્રિયમ બેભાન હાલતમાં જમીન પર પડી હતી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ગરમ પાણી માટે ગીઝર શરૂ કર્યા બાદ ઝેરી ગેસ ગળતરથી તેનું મોત થયાનું તબીબોએ જણાવ્યું હતું.
અગાઉ સૈયદ મંઝિલના ત્રીજા માળે રહેતા 41 વર્ષીય ફૈઝ અહેમદ સૈયદ, તેમની 37 વર્ષીય પત્ની મુબીનાબાનુ અને 12 વર્ષીય પુત્રના મોત પણ આ જ રીતે ગીઝરના કારણે ગેસ ફેલાઈ જવાથી થયા હોવાનું અહેવાલોમાં બહાર આવ્યું હતું. વર્ષ 2025માં પણ સુરત શહેરમાં આવો જ બનાવ બન્યો હતો. ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંધ જગ્યામાં કાર્બન મોનોક્સાઈડ વાયુ સીધો ફેફસાં અને લોહીમાં ભળી જતો હોવાથી ગૂંગળામણથી મોત નીપજે છે.