Tue Oct 06 2026

Logo

લગ્નેત્તર સંબંધોનો કરૂણ અંજામઃ પરિણિત પ્રેમીઓએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

2026-09-16 21:55:57
Author: Pooja Shah
લગ્નેત્તર સંબંધોનો કરૂણ અંજામઃ પરિણિત પ્રેમીઓએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

અમદાવાદઃ સાંપ્રત સમાજમાં લગ્નેત્તર સંબંધો વધી રહ્યા છે, જે ભારતીય સમાજવ્યવસ્થાની ઘોર ખોદી રહ્યા છે. આવા કિસ્સામાં માત્ર બે વ્યક્તિ જ નહીં, પરંતુ બે પરિવારો બરબાદ થાય છે. આવા જ એક કિસ્સામાં સુરતમાં બે પરિણિત પ્રેમી-પ્રેમિકાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા તેમના પરિવારો અને સંતાનો શોકમાં ડૂબ્યા છે. 

વરાછા વિસ્તારમાં રહેતી અને બે સંતાનની માતા 29 વર્ષીય મહિલા અને ઉત્રાણમાં રહેતા 40 વર્ષીય પરિણિત યુવકે વરિયાવ બ્રીજ નીચે મંદિર પાસે તાપીની પાળે બેસીને સાથે ઝેર ગટગટાવ્યું હતું. સફાઈ કામ કરતી મહિલા સાંજે નિયત સમયે ઘરે ન પહોંચતા પરિવારે ફોન કર્યો ત્યારે અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડી તે હૉસ્પિટલમાં હોવાની ખબર આપી હતી. પરિવાર હૉસ્પિટલે પહોંચ્યો હતો અને મહિલા સારવાર લઈ રહી હતી. જોકે મોડી રાત્રે તેને તબીબોએ મૃત જાહેર કરી હતી. તે પહેલા યુવકનું મોત નિપજ્યું હતું. 

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બન્ને મૃતક સાથે કામ કરતા હતા અને તેમનો પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. બન્ને વચ્ચે કોઈ બાબતે મનદુઃખ થતા તેમણે આ પગલું ભર્યું હતું. પોલીસ વિશેષ તપાસ હાથ ધરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.