નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની શેર બજારના પારદર્શિતા અંગેની અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIFs ) અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs )ના અંતિમ લાભાર્થી વિશેની માહિતી તેમજ તેમના રોકાણોની વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે. કોર્ટે જણાવ્યું હતું કે સ્પષ્ટ કાનૂની કે નિયમનકારી માળખાના અભાવે સેબીને આવો નિર્દેશ આપી શકાય નહીં.
અરજીમાં રોકાણકારોના હિતોના રક્ષણ કરવાની માંગ
સુપ્રીમ કોર્ટેમાં દાખલ કરેલી અરજીમાં મહુઆ મોઇત્રાએ શેરબજારમાં પારદર્શિતા વધારવા અને રોકાણકારોના હિતોના રક્ષણ કરવાની માંગ કરી છે. અરજી અનુસાર અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના અંતિમ લાભાર્થી વિશેની માહિતી અને તેમના રોકાણ પોર્ટફોલિયો વિશેની માહિતી સાર્વજનિક કરવાથી રોકાણકારોને વધુ સારી રીતે જાણકારી મેળવીને નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે.
સેબીની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
આ અરજીમાં સેબીની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સેબી દેશના સિક્યોરિટીઝ માર્કેટનું નિયમન કરે છે અને રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખે છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે જો કોઈ વિષય પર કાયદો અથવા નિયમનકારી શાસન હોય અને સંબંધિત સંસ્થા તેનું પાલન ન કરતી હોય, તો કોર્ટ તેનું પાલન કરવાનું નિર્દેશિત કરી શકે છે.
મહુઆ મોઇત્રા સંસદમાં આ મુદ્દો ઉઠાવી શકે
જો કે, જે પ્રકારની માહિતી સાર્વજનિક કરવા માંગવામાં આવી છે તેના માટે સ્પષ્ટ કાનૂની આધાર હોવો જરૂરી છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે મહુઆ મોઇત્રા સંસદમાં આ મુદ્દો ઉઠાવી શકે છે અને ત્યાં ચર્ચા માંગી શકે છે.
સામાન્ય રોકાણકારો માટે જોખમ ઊભું કરી શકે
આ ઉપરાંત મહુઆ મોઇત્રા વતી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, 'અલ્ટીમેટ બેનિફિશિયલ ઓનર્સ' અંગેની માહિતી જાહેર ન કરવામાં આવે તો તે સામાન્ય રોકાણકારો માટે જોખમ ઊભું કરી શકે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે અમુક સંજોગોમાં શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો આવવાને કારણે નાના રોકાણકારોને નુકસાન થઈ શકે છે.