Mon Nov 16 2026

Logo

સુપ્રીમ કોર્ટના સીજેઆઈ પર વાંધાજનજ ટિપ્પણી બાદ કેરલમ કોંગ્રેસ પ્રમુખને નોટિસ...

2026-10-16 22:10:03
Author: Chandrakant Kanoja
સુપ્રીમ કોર્ટના સીજેઆઈ પર વાંધાજનજ ટિપ્પણી બાદ કેરલમ કોંગ્રેસ પ્રમુખને નોટિસ...

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા રાહુલ ગાંધી સહિત ઇન્ડી ગઠબંધનના નેતાઓને વોટ ચોરી મુદ્દે મળવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જેની બાદ કેરલમ કોંગ્રેસ દ્વારા એક્સ પર ચીફ જસ્ટિસ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારે  હવે સુપ્રીમ કોર્ટના વકીલ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સંયુક્ત સચિવ  મિનેશ દુબેએ કેરલમ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સની જોસેફને કાનૂની નોટિસ પાઠવી છે.

ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ની કાર્યવાહી શરૂ થઈ શકે

આ નોટિસમાં સની જોસેફને મળ્યાના સાત દિવસની અંદર લેખિત જવાબ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. જો આમ કરવામાં નિષ્ફળ જશે, તો તથ્યો અને કાયદાના આધારે તેમની સામે 'ક્રિમિનલ કન્ટેમ્પ્ટ' ની કાર્યવાહી શરૂ થઈ શકે છે.

 ટ્વીટ ડિલીટ કરી દેવું પૂરતું નથી

મિનેશ દુબે  દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં ભારપૂર્વક જણાવાયું છે કે માત્ર ટ્વીટ ડિલીટ કરી દેવું પૂરતું નથી. તેમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું પાર્ટી ભારતના મુખ્ય ન્યાયાધીશને ઉદ્દેશીને કરવામાં આવેલા આ અપમાનજનક ટ્વીટ બદલ જાહેર માફી માંગશે. તેમાં તે પોસ્ટ માટે જવાબદાર વ્યક્તિ વિશે વિગતો અને તેમની સામે લેવામાં આવેલા પગલાં અંગેની માહિતી માંગવામાં આવી છે.

નિવેદન દેશના સર્વોચ્ચ ન્યાયિક પદની ગરિમા પર હુમલા સમાન 

નોટિસ મુજબ, 12  ઓક્ટોબર, 2026ના રોજ કેરલમ કોંગ્રેસના સત્તાવાર  એક્સ એકાઉન્ટ પર એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું: "પ્રિય સૂર્યકાંત, જો કાયદો અને વ્યવસ્થા તમારા અધિકારક્ષેત્રમાં આવતા ન હોય, તો રાજીનામું આપી દો. અમે કોઈ એવો વિકલ્પ શોધી લઈશું જે આ સંભાળી શકે." નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ નિવેદન દેશના સર્વોચ્ચ ન્યાયિક પદની ગરિમા અને સ્વતંત્રતા પર હુમલા સમાન છે.

રાષ્ટ્રીય નેતૃત્વએ આ નિવેદન સાથે અસંમતિ વ્યક્ત કરી 

નોટિસમાં ઉલ્લેખ છે કે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ આ નિવેદન સાથે અસંમતિ વ્યક્ત કરી છે. દરમિયાન, સની જોસેફે કથિત રીતે દાવો કર્યો છે કે આ પોસ્ટ રાજ્ય નેતૃત્વની જાણ કે સંમતિ વિના કરવામાં આવી હતી અને જવાબદાર વ્યક્તિને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મિનેશ દુબેએ દલીલ કરી છે કે માત્ર પાર્ટીને આ નિવેદનથી અલગ કરવી અને જવાબદાર વ્યક્તિને પદ પરથી હટાવી દેવા પૂરતા નથી.