(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્ર અને કર્ણાટકની ખાંડ મિલો પર ગઈકાલે વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ટેન્ડરોના ભાવમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ ભાવઘટાડો આગળ ધપતા હાજર ભાવમાં ક્વિન્ટલે રૂ. 20થી 72નો અને નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. 50નો ઘટાડો આગળ ધપ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે એક્સ મિલ ધોરણે બિજાપુર લાઈનમાં ખાંડના ભાવ ક્વિન્ટલદીઠ રૂ. 4730થી 4800, બેલગામ લાઈનમાં રૂ. 4740થી 4790 અને કોલ્હાપુર લાઈનમાં રૂ. 4730થી 4840 આસપાસ રહ્યા હતા. આમ મથકો પરના નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હોવા છતાં મથકો પાછળ હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે 72 અને ઉપલા મથાળેથી રૂ. 40ના ઘટાડા સાથે રૂ. 4940થી 5102માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 20થી 40ના ઘટાડા સાથે રૂ. 5101થી 5252માં થયા હતા.
વધુમાં આજે મથકો પાછળ નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં ભાવમાં ક્વિન્ટલે રૂ. 50નો ઘટાડો આવ્યો હતો, જેમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4750થી 4800માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4850થી 4950માં થયા હતા.