Wed Oct 14 2026

Logo

મૂલ્યો વેચીને મેળવેલી સફળતા એ ખરી સફળતા નથી

2026-09-09 14:07:00
Author: Vitthal Waghasiya
મૂલ્યો વેચીને મેળવેલી સફળતા એ ખરી સફળતા નથી

મગજ મંથન - વિઠ્ઠલ વઘાસિયા

‘રાષ્ટ્રનું ભવિષ્ય ડિગ્રી ધારક વ્યવસાયિકોથી નહીં, પરંતુ મૂલ્યો ધરાવતા નાગરિકોથી જ ઘડાય છે’ આ વાક્ય માત્ર એક વિચાર નથી, પરંતુ શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રજીવન સામે ઊભો થયેલો એક અરીસો છે. આજે આપણે શિક્ષણના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. શાળા- કૉલેજો-  યુનિવર્સિટીઓ વધી છે, ડિગ્રીની સંખ્યા વધી છે અને વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા યુવાનોની સંખ્યા પણ વધી છે. છતાં પ્રશ્ન એ છે કે શું આ બધાની સાથે રાષ્ટ્ર પ્રત્યેની નૈતિકતા, માનવતા અને જવાબદારી પણ વધી છે?

ડિગ્રી માણસને કામ માટે લાયક બનાવી શકે છે, જ્યારે મૂલ્યો તેને જીવવા માટે લાયક બનાવે છે. વ્યવસાયિક જ્ઞાન વ્યક્તિને સફળતા અપાવી શકે છે, પરંતુ સદાચાર તેને સફળતાને સાર્થક રીતે વાપરવાનું શીખવે છે એટલે રાષ્ટ્રના વિકાસ માટે માત્ર ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, મેનેજર કે ટૅક્નોક્રેટ પૂરતા નથી- સારા માણસો અને જવાબદાર નાગરિકો પણ એટલા જ  જરૂરી છે.

આજના સમયમાં શિક્ષણને ઘણીવાર નોકરી અને આવક સાથે જોડી દેવામાં આવે છે. માતા - પિતાની અપેક્ષા હોય છે કે બાળક સારી ડિગ્રી મેળવે, સારી નોકરી કરે અને ઊંચી આવક મેળવે. વિદ્યાર્થી પણ પરીક્ષા, માર્કશીટ, પ્રવેશ અને કારકિર્દીની દોડમાં આગળ વધતો જાય છે. આ બધું જરૂરી છે, પરંતુ પૂરતું નથી.

જો કોઈ વ્યક્તિ પાસે મોટી ડિગ્રી હોય, પરંતુ તે લાંચ લેતો હોય, કરચોરી કરતો હોય, પોતાના પદનો દુરુપયોગ કરતો હોય, સ્ત્રીઓનું અપમાન કરતો હોય કે નબળા માણસનું શોષણ કરતો હોય તો તેની ડિગ્રી સમાજ માટે કેટલી ઉપયોગી? ડિગ્રી બુદ્ધિનું પ્રમાણપત્ર હોઈ શકે, પરંતુ ચારિત્ર્યનું પ્રમાણપત્ર નથી.

વિજ્ઞાન અને ટૅક્નોલોજીએ માનવજીવનને અદ્ભુત શક્તિ આપી છે. આજે માણસ પૃથ્વીના એક ખૂણેથી બીજા ખૂણે ક્ષણોમાં સંદેશ મોકલી શકે છે. કૃત્રિમ બુદ્ધિથી અશક્ય લાગતાં કાર્ય શક્ય બની રહ્યા છે. 

ચિકિત્સા ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ થઈ છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ શક્તિનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરે છે? શસ્ત્ર બનાવવાની ટૅક્નોલોજી વૈજ્ઞાનિક પ્રગતિ છે, પરંતુ તેનો ઉપયોગ માનવવિનાશ માટે થાય તો એ જ જ્ઞાન વિનાશનું કારણ બને છે. 

સોશ્યલ મીડિયા સંપર્કનું સાધન છે, પરંતુ તેનો ઉપયોગ અફવા, દ્વેષ અને અપમાન ફેલાવવા માટે થાય તો ટૅક્નોલોજી સમાજને જોડવાને બદલે તોડી નાખે છે. તેથી જ્ઞાનને દિશા આપવા માટે વિવેક અને મૂલ્યો જરૂરી છે. મૂલ્યો રાષ્ટ્રની અદૃશ્ય સંપત્તિ છે. 

સત્ય, પ્રામાણિકતા, કરુણા, ન્યાય અને માનવતા, ઈત્યાદિ બધાં મૂલ્યો કોઈ પુસ્તકની માત્ર વ્યાખ્યાઓ નથી. આ તો રાષ્ટ્રના જીવનને મજબૂત બનાવતી અદૃશ્ય ઈંટો છે. રાષ્ટ્રનું ચારિત્ર્ય નાગરિકોના મૂલ્યોથી બને છે. કાયદાનો ભય હોય ત્યાં માણસ ગુનો કરવાનું ટાળી શકે છે; પરંતુ અંતરાત્માનો અવાજ હોય ત્યાં કાયદાની ગેરહાજરીમાં પણ માણસ ખોટું કરતો નથી. પોલીસની નજરથી બચી શકાય, પરંતુ સંસ્કારની નજરથી બચી શકાય નહીં.

સારા નાગરિકો જ સારો સમાજ બનાવી શકે.

નિયમોનું પાલન કરનાર વ્યક્તિ કદાચ કોઈ મોટી ડિગ્રી ધરાવતી ન હોય, પરંતુ તે જવાબદાર નાગરિક છે. રાષ્ટ્ર નિર્માણ સંસદમાં જ થતું નથી.  તે ઘર, શાળા, રસ્તા, કાર્યસ્થળ અને સમાજના દરેક ખૂણે થાય છે.

મૂલ્ય શિક્ષણની શરૂઆત શાળાથી પહેલાં ઘરમાં થાય છે. બાળક માતા - પિતાને જોઈને ઘણું શીખે છે. ડિગ્રી હાથને વ્યવસાય આપે છે, જ્ઞાન મગજને શક્તિ આપે છે; પરંતુ મૂલ્યો હૃદયને દિશા આપે છે.

આજે દુનિયા સ્પર્ધાની દોડમાં દોડી રહી છે. ‘હું બીજાથી આગળ કેવી રીતે નીકળું?’ એ પ્રશ્ન મોટો બની ગયો છે; ‘હું બીજાના જીવનમાં શું સારું ઉમેરી શકું?’ એ પ્રશ્ન નાનો બની રહ્યો છે. સફળતા ખરાબ નથી, પરંતુ સફળતાની કિંમત તરીકે જો મૂલ્યો વેચવા પડે તો એ સફળતા નહીં, પરાજય છે.  આજે આપણને એવા યુવાનો જોઈએ છે જે બુદ્ધિશાળી પણ હોય અને ઈમાનદાર પણ. એ મહત્ત્વાકાંક્ષી પણ હોય અને જવાબદાર પણ- આધુનિક પણ હોય અને માનવીય પણ! કમ્પ્યુટર ચલાવતાં આવડવું જરૂરી છે, પરંતુ સાથે અંતરાત્માનો અવાજ પણ સાંભળવો જોઈએ! કોઈ દેશ કેટલા કરોડપતિ પેદા કરે છે તેનાથી જ તેની મહાનતા નક્કી થતી નથી. તેની સાચી મહાનતા એમાં છે કે ત્યાં સામાન્ય માણસને કેટલું સન્માન મળે છે, કાયદો કેટલો નિષ્પક્ષ છે, નબળાને કેટલો ન્યાય મળે છે અને લોકો એકબીજા પ્રત્યે કેટલા  સંવેદનશીલ છે.  મોટા રસ્તાઓ અને ઊંચી ઈમારતો વિકાસનાં ચિન્હો છે, પરંતુ પ્રામાણિક નાગરિકો વિકાસનો આત્મા છે.