Thu Sep 10 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ સુભાષચંદ્ર કોની મહેરબાનીથી છટકી ગયા?

2026-08-29 07:17:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ સુભાષચંદ્ર કોની મહેરબાનીથી છટકી ગયા?

 

ભરત ભારદ્વાજ

ભારતમાં જેની પાસે પૈસો અને પાવર છે તેને ખુલ્લેઆમ દેશની તિજોરીને લૂંટવાનો પરવાનો મળી જાય છે અને આ વાત એસ્સેલ ગ્રુપના સ્થાપક સુભાષચંદ્રના કેસમાં સાવ સાચી પડી છે. ઝી ન્યૂઝ, ઝી એન્ટરટેઈનમેન્ટ, ડિશ ટીવી સહિતની સંખ્યાબંધ કંપનીઓના બનેલા એસ્સેલ ગ્રુપે અનેક બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી લોનો લીધી છે. આ લોન કેટલી છે તેનો ચોક્કસ આંકડો મોટો હશે પણ તેમાંથી 22 હજાર કરોડ રૂપિયાની લોનમાં એસ્સેલ ગ્રુપના કર્તાહર્તા સુભાષચંદ્ર `પર્સનલ ગેરંટર' હતા. મતલબ કે, સુભાષચંદ્રે બેંકો અને નાણાંકીય સંસ્થાઓને બાંહેધરી આપેલી કે, પોતાની કંપનીઓ લોન ના ચૂકવી શકે તો પોતે વ્યક્તિગત રીતે લોન ચૂકવી દેવા બંધાયેલા છે. 

સુભાષચંદ્રની કંપનીઓ ડચકાં ખાય છે એટલે લોન પાછી ભરી શકતી નથી એટલે બેંકો સુભાષ ચંદ્ર પાસે ઉઘરાણી કરવા માંડી પણ સુભાષચંદ્રે પોતે લોન નહીં ચૂકવી શકે એણ કહીને હાથ અધ્ધર કરી દીધેલા તેથી મામલો નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી)માં ગયેલો. એનસીએલટીએ સુભાષચંદ્રની તરફેણમાં ચુકાદો આપ્યો છે કે, `પર્સનલ ગેરંટર' તરીકે તમામ રકમ ચૂકવવાની જવાબદારી સુભાષચંદ્રની નથી. 

એનસીએલટીએ લેણદારોના 22 હજાર કરોડ રૂપિયાથી વધારેના દાવા સામે સુભાષચંદ્રે માત્ર 6.5 કરોડ રૂપિયા જ ચૂકવાના થશે.  મતલબ કે, દેવાની રકમમાંથી માત્ર 0.03 ટકા રકમ ભરીને સુભાષચંદ્ર પોતાની જવાબદારીમાંથી છટકી જશે અને બાકીની 99.97 ટકા રકમ ચૂકવવાની તેમની કોઈ જવાબદારી નહીં રહે. હવે સુભાષચંદ્ર પોતાની સંપત્તિનો ઉપયોગ પોતાની રીતે કરી શકશે. આ પૈકી મોટા ભાગની સંપત્તિ લોનમાંથી વસાવેલી હોય તો પણ કોઈ કશું નહીં કરી શકે. 

એનસીએલટીએ મંજૂર કરેલી રીપેમેન્ટ યોજનાનું એવું અર્થઘટન કરાઈ રહ્યું છે કે, એસ્સેલ ગ્રુપે 22 હજાર કરોડ રૂપિયાના દેવા સામે માત્ર 6.5 કરોડ રૂપિયા જ ભરવાના રહેશે અને બાકીની રકમનું બેંકો અને નાણાકીય સંસ્થાઓએ નાહી નાંખવું પડશે. આ અર્થઘટન ખોટું છે કેમ કે એનસીએલટીએ એસ્સેલ ગ્રુપનું દેવું માફ કર્યું નથી પણ સુભાષચંદ્રની પર્સનલ રીપેમેન્ટ યોજનાને મંજૂરી આપી છે. જે મૂળ કંપનીઓએ લોન લીધી હતી એ પણ હજુ દેવાદાર જ છે. નાણાં સંસ્થાઓ અને બેંકો એસ્સેલ ગ્રુપની કંપનીઓ, તેમની સંપત્તિઓ અને અન્ય ગિરવે મૂકેલા શેર સહિતના  કોલેટરલમાંથી આ રકમની વસૂલાત ચાલુ રાખી શકે છે પણ સુભાષચંદ્રનો કાંઠલો ઝાલી નહીં શકે. 

આ તો એનસીએલટીના ચુકાદાનું કાનૂની અર્થઘટન કર્યું પણ તેના કારણે એનસીએલટીનો ચુકાદો યોગ્ય નથી થઈ જતો. આ ચુકાદો આઘાતજનક છે જ કેમ કે તેના કારણે બેંકો-સંસ્થાઓ પાસેથી કરોડોની લોન લઈને કરી નાખવાની મેલી મુરાદ ધરાવતા ચોરોને કાનૂની છટકબારી મળી ગઈ છે. 

ભવિષ્યમાં આ રીતે બીજા ચોરો પણ એનસીએલટી પાસેથી આવા ચુકાદા લઈ આવીને હાથ ખંખેરી નાખશે તો બેંકો-સંસ્થાઓ તેમનાં નાણાં વસૂલી કઈ રીતે કરી શકશે? બીજું એ કે, એનસીએલટીએ પોતાની જરાય બુદ્ધિ વાપર્યા વિના સુભાષચંદ્રે રજૂ કરેલો પ્લાન સીધો મંજૂર કરી નાખ્યા છે. આ રીપેમેન્ટ પ્લાન એટલો હાસ્યાસ્પદ છે કે, કોઈના હાથમાં કશું આવવાનું જ નથી. દાખલા તરીકે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે 1323 કરોડ રૂપિયાનો દાવો કરેલો તેની સામે 38.09 લાખ રૂપિયા જ મળશે. એલઆઈસીએ તેના કરતાં વધારે રકમ તો વકીલો ને બીજી કાનૂની કાર્યવાહી પાછળ ખર્ચી નાખી હશે એ જોતાં આ રીપેમેન્ટ સાવ બકવાસ છે. 

ચંદ્રે હાથ અધ્ધર કરી નાંખતાં સાવ વાહિયાત બચાવ કર્યો છે કે, પોતે બેંકો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી કોઈ લોન લીધી નહોતી પણ પોતે  માત્ર `વ્યક્તિગત ગેરંટર' હતા. એનસીએલટીએ સવાલ કરવો જોઈએ કે, સુભાષ ચંદ્ર કોના માટે `પર્સનલ ગેરંટર' બનેલા? પોતાના ગ્રુપની કંપનીઓ માટે જ કે બીજા કોઈના માટે? પોતાની કંપનીઓના જ `પર્સનલ ગેરંટર' તરીકે લોન ભરવાની જવાબદારી સુભાષ ચંદ્રની છે કેમ કે `પર્સનલ ગેરંટી'નો મતલબ જ એ છે કે, બેંક અથવા નાણાં સંસ્થા કોઈ કંપની કે કોઈને પણ લોન આપે ત્યારે કંપની કે વ્યક્તિ લોન ના ચૂકવી શકે તો `પર્સનલ ગેરંટર' ચૂકવી દેશે. મતલબ કે, `પર્સનલ ગેરંટર' કાનૂની રીતે બાંહેધરી આપે છે કે, પોતે જેના માટે `પર્સનલ ગેરંટી' આપી છે તેની લોન ચૂકવવાની જવાબદારી તેની પોતાની છે.

`પર્સનલ ગેરંટી' આપનારની આર્થિક સધ્ધરતાના પુરાવાના આધારે બેંકો તેની કંપની કે બીજાને લોન આપે છે એ જોતાં નૈતિક રીતે પણ `પર્સનલ ગેરંટર' લોન ભરી દેવા બંધાયેલો છે. આ નયા ભારતમાં હવે નૈતિકતાની અપેક્ષા કોઈની પાસેથી રખાય એમ નથી પણ કાનૂની રીતે સુભાષચંદ્ર લોન ચૂકવવા બંધાયેલા જ છે. હવે સુભાષ ચંદ્ર `પર્સનલ ગેરંટી' આપીને ફરી ગયા એ જોતાં તેમની સામે ખરેખર તો કાનૂની કાર્યવાહી કરવાની હોય પણ તેના બદલે અહીં તો ખેરાત કરી દેવાઈ અને દેશના ઈતિહાસમાં એક કલંકિત પ્રકરણ લખાઈ ગયું. 

એનસીએલટીના આ નિર્ણય સામે `નેશનલ કંપની લો એપિલેટ ટ્રિબ્યુનલ'માં અપીલ કરી શકાય છે.  બેંકો અને નાણાકીય સંસ્થાઓને મળનારી રકમમાંથી વકીલોનો ખર્ચ પણ ના નીકળે એ જોતાં બેંકો-સંસ્થાઓ ટ્રિબ્યુનલમાં અપીલ કરશે જ. ટ્રિબ્યુનલના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકાય છે એ જોતાં એનસીએલટી વરસી પડી એટલે સુભાષચંદ્ર સાવ ચિલ્લર આપીને છટકી ના જાય એવી શક્યતા છે ખરી. 

ભારતમાં સુપ્રીમ કોર્ટ હજુ સાબૂત છે એ જોતાં આ નિર્ણય માન્ય નહીં ઠરે એવો ભરોસો રાખી શકાય પણ સવાલ ન્યાયતંત્રનો નહીં પણ સરકારનો છે. સુભાષચંદ્ર પર વરસી પડનારી એનસીએલટીના સભ્યોને નિમણૂક અને તેમને દૂર કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. કેન્દ્ર સરકારે આ સત્તાનો ઉપયોગ કરીને સુભાષચંદ્રના મદદગારોને લાત મારીને તગેડી મૂકવા જોઈએ. 

કેન્દ્ર સરકારે બીજી એક સ્પષ્ટતા પણ કરવાની જરૂર છે. એનસીએલટીએ સુભાષચંદ્રના રીપેમેન્ટ પ્લાનને એટલે મંજૂરી આપી કે, 80 ટકા લેણદારોને આ પ્લાન મંજૂર હતો જ્યારે 20 ટકાએ જ તેનો વિરોધ કરેલો. એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સે વિરોધ કર્યો છે ને એચડીએફસીએ તો સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી છે તો પછી કોને આ રીપેમેન્ટ પ્લાન સામે વાંધો નથી ? જેમને વાંધો નથી તેમાં સરકારી બેંકો અને સંસ્થાઓ છે ? 

આ સ્પષ્ટતા જરૂરી છે કેમ કે, સુભાષચંદ્રને મદદ કરવા બદલ ભાજપની નેતાગીરી સામે આંગળી ચીંધાઈ રહી છે.  ભાજપની મહેરબાનીથી રાજ્યસભાના સભ્ય બનેલા સુભાષચંદ્રને ભાજપના કહેવાથી એનસીએલટીએ છટકવા દીધા એવું કહેવાય છે. ભાજપ સરકારે પોતે દૂધે ધોયેલી હોવાનું સાબિત કરવા આ સ્પષ્ટતાઓ કરવી જરૂરી છે.