Thu Oct 08 2026

Logo

સ્ટીલના ભાવ ચાર વર્ષની ઊંચી સપાટીએ, બીજા છમાસિકગાળામાં વલણ જળવાઈ રહેવાની શક્યતાઃ અહેવાલ

2026-09-22 19:52:40
Author: Ramesh Gohil
સ્ટીલના ભાવ ચાર વર્ષની ઊંચી સપાટીએ, બીજા છમાસિકગાળામાં વલણ જળવાઈ રહેવાની શક્યતાઃ અહેવાલ

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હીઃ સ્થાનિકમાં કૉકિંગ કૉલ જેવા કાચા માલના ભાવમાં વધારો ઉપરાંત ચોમાસા પશ્ચાત્‌‍ માગમાં વધારો થવાની સાથે સ્ટીલના ભાવ ચાર વર્ષની ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાનું માર્કેટ રિસર્ચ કંપની બિગમિન્ટે એક અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે ભાવનું આ વલણ શેષ વર્તમાન નાણાકીય વર્ષમાં જળવાઈ રહે તેવી શક્યતા છે. નોંધનીય બાબત એ છે કે વૈશ્વિક સ્તરે વપરાશમાં આવતા હોટ રોલ્ડ અને કોલ્ડ રોલ્ડ સ્ટીલના હાલમાં ભાવ અનુક્રમે ટનદીઠ રૂ. 64,000 અને રૂ. 75,000 આસપાસની સપાટીએ છે અને બિગમિન્ટની આંકડાકીય માહિતી અનુસાર ભાવનું આ સ્તર અગાઉ જૂન, 2022માં જોવા મળ્યું હતું.

ગત પહેલી ઑગસ્ટથી હોટ રોલ્ડ કૉઈલ અને કોલ્ડ રોલ્ડ સ્ટીલના ભાવમાં અનુક્રમે ટનદીઠ રૂ. 6000 અને રૂ. 8000નો વધારો થયો છે. ઑગસ્ટના આરંભે હોટ રોલ્ડ કૉઈલના ભાવ ટનદીઠ રૂ. 58,000ના મથાળે અને કોલ્ડ રોલ્ડ કૉઈલના ભાવ ટનદીઠ રૂ. 66,500ના મથાળે હતા. આ ભાવવધારો મુખ્યત્વે કાચા માલના ભાવમાં થયેલા વધારા અને માગમાં થયેલા વધારાને આભારી હોવાનું બિગમિન્ટના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે સ્ટીલના ઉત્પાદનમાં મુખ્યત્વે વપરાતા કૉકિંગ કૉલની આયાત થાય છે અને તેના ભાવ જે ટનદીઠ 65 ડૉલર હતા તે એક મહિનામાં વધીને 305 ડૉલર થઈ ગયા હતા, જ્યારે આયર્ન ઑરના ભાવ ટનદીઠ રૂ. 200થી 250 વધીને રૂ. 4500ની સપાટીએ પહોંચ્યા હતા. નોંધનીય બાબત એ છે કે બ્લાસ્ટ ફ્યુરન્સ મારફતે થતાં સ્ટીલના કુલ ઉત્પાદન ખર્ચમાં કૉકિંગ કૉલનો જ હિસ્સો 30 ટકા જેટલો હોય છે. 

વધુમાં ગત એપ્રિલથી ઑગસ્ટ, 2027 દરમિયાન દેશમાં સ્ટીલના વપરાશમાં પણ વર્ષાનુવર્ષ ધોરણે સાત ટકાની વૃદ્ધિ થઈ હતી. બિગમિન્ટના અહેવાલ અનુસાર વર્તમાન નાણાકીય વર્ષના શેષ હિસ્સામાં ખાસ કરીને બાંધકામ અને માળખાકીય ક્ષેત્રની માગ જળવાઈ રહે તેમ હોવાથી ભાવ નીચે આવે તેવી શક્યતા નથી. ઉલ્લેખનીય બાબત એ છે કે દેશમાં થતા સ્ટીલના કુલ ઉત્પાદનમાં બાંધકામ અને માળખાકીય ક્ષેત્રની માગનો હિસ્સો 60 ટકા જેટલો બહોળો હોય છે અને સામાન્યપણે દરેક વર્ષે ચોમાસા પશ્ચાત્‌‍ આ ક્ષેત્રની માગમાં વધારો થતો હોય છે. જોકે, આ ઉપરાંત ઑટોમેટિવ ઉદ્યોગની માગનો પણ ટેકો મળતો હોવાનું વિશ્લેષકોએ જણાવ્યું હતું. હોટ રોલ્ડ અને કોલ્ડ રોલ્ડ કૉઈલ એ ફ્લેટ સ્ટીલ છે જેનો ઉપયોગ ઑટો એપ્લાયન્સીસ અને બાંધકામ ઉદ્યોગમાં થતો હોવાથી તેના ભાવમાં વધારાની અસર વાહનો, ક્નઝ્યુમર ગૂડ્સ અને બાંધકામ ક્ષેત્ર પર પડતી હોય છે.