Thu Nov 19 2026

Logo

Statue of Unity Trip Plan: વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું છે? ટિકિટના ભાવથી લઈને પહોંચવાના શ્રેષ્ઠ રૂટની A to Z વિગતો...

2026-10-31 15:20:18
Author: Darshana Visaria
Statue of Unity Trip Plan: વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું છે? ટિકિટના ભાવથી લઈને પહોંચવાના શ્રેષ્ઠ રૂટની A to Z વિગતો...

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ 31મી ઑક્ટોબર એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસ અને દિવાળીના વેકેશન દરમિયાન ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. નર્મદા નદી પર સાધુ બેટ ટાપુ પર સ્થિત આ 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ભવ્ય પ્રતિમાને નિહાળવા દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે ‘એકતા નગર’ (કેવડિયા) જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો મુસાફરી પહેલાં ટિકિટના ભાવ, સમયપત્રક અને મુલાકાત સંબંધિત મહત્વની બાબતો અહીં એક ક્લિક પર જાણી શકશો...

કઈ ટિકિટનો કેટલો છે ચાર્જ?
પ્રશાસન દ્વારા પ્રવાસીઓની સુવિધા મુજબ વિવિધ કેટેગરીમાં ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે-

બેઝિક એન્ટ્રી ટિકિટ (Basic Entry Ticket):
દર: પુખ્ત વયના લોકો માટે રૂપિયા 150 અને ત્રણથી 15 વર્ષના બાળકો માટે રૂપિયા 90.
શું જોવા મળશે: સ્મારક પરિસર, મ્યુઝિયમ, ઑડિયો-વિઝ્યુઅલ ગેલેરી, વેલી ઑફ ફ્લાવર્સ (Valley of Flowers) અને સરદાર સરોવર ડેમ વ્યુ પોઇન્ટ.
આ ટિકિટમાં પ્રતિમાની અંદર આવેલી વ્યૂઇંગ ગેલેરીમાં પ્રવેશ મળતો નથી.

વ્યૂઇંગ ગેલેરી ટિકિટ (Viewing Gallery Ticket):
પુખ્ત વયના મુલાકાતીઓ માટે રૂપિયા 380 અને બાળકો માટે રૂપિયા 230 (જેમાં બેઝિક એન્ટ્રીનો સમાવેશ થઈ જાય છે).
શું જોવા મળશે: 153 મીટરની ઊંચાઈએ હાઈ-સ્પીડ લિફ્ટ દ્વારા પ્રતિમાની છાતીના ભાગે આવેલી ગેલેરીમાંથી વિંધ્યાચલ-સાતપુડાની પર્વતમાળાઓ અને નર્મદા ડેમનો ભવ્ય નજારો જોઈ શકાય છે.

એક્સપ્રેસ એન્ટ્રી ટિકિટ (Express Ticket):
દર: પ્રતિ વ્યક્તિ રૂપિયા 1050
ફાયદો: તહેવારો અને વીકએન્ડ દરમિયાન ભારે ભીડ અને લિફ્ટની લાંબી લાઈનોમાં ઊભા રહેવા વગર સીધો અને ઝડપી પ્રવેશ મળે છે.
વિશેષ નોંધ: 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તમામ પ્રકારની એન્ટ્રી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

પરિસરનો સમય, લેસર શો અને ઑનલાઇન બુકિંગ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર પ્રવાસીઓ માટે સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સાંજનો અંતિમ પ્રવેશ છ વાગ્યા સુધી જ મળે છે. આ ઉપરાંત દર સોમવારે જાળવણી અને મેન્ટેનન્સના કામકાજ માટે સમગ્ર સંકુલ બંધ રહે છે, તેથી સોમવારે પ્રવાસનું આયોજન ટાળવું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શો સાંજે 7.30 વાગ્યાથી 8.00 વાગ્યા દરમિયાન સરદાર પટેલના જીવન અને એકતાના સંદેશ પર આધારિત ભવ્ય 'લેસર લાઈટ એન્ડ સાઉન્ડ શો' યોજાય છે, જે પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય છે. તહેવારોના દિવસોમાં ટિકિટ વિન્ડો પર કલાકો સુધી ઊભા ન રહેવું પડે તે માટે સત્તાવાર પોર્ટલ (સત્તાવાર વેબસાઇટ અથવા SOU ટિકિટિંગ એપ) મારફતે અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવી લેવું સલાહભર્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવી રીતે પહોંચવું? 
બાય એર (By Air):
સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા (Vadodara) છે, જે એકતા નગરથી આશરે ૯૦ કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાંથી ટેક્સી કે બસ દ્વારા આશરે દોઢથી બે કલાકમાં પહોંચી શકાય છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ અંતર આશરે ૨૦૦ કિમી છે.

બાય ટ્રેન (By Train):
ભારતીય રેલવે દ્વારા સ્મારક પરિસરની ખૂબ નજીક અત્યાધુનિક એકતા નગર (Ekta Nagar - કેવડિયા) રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી સહિત દેશના પ્રમુખ શહેરોમાંથી અહીં સીધી જનશતાબ્દી અને એક્સપ્રેસ ટ્રેનો દોડે છે. આ ઉપરાંત વડોદરા જંકશન પણ મુખ્ય ટ્રેન કનેક્ટિવિટી પૂરી પાડે છે.

બાય રોડ માર્ગ (By Road):
વડોદરા, સુરત, ભરૂચ અને અમદાવાદ જેવા ગુજરાતના મુખ્ય શહેરો સાથે ફોર-લેન સ્ટેટ હાઈવે ઉત્તમ રીતે જોડાયેલા છે. ગુજરાત એસટી (GSRTC)ની વોલ્વો અને પ્રીમિયમ બસો તેમજ પ્રાઈવેટ કેબ્સ મારફતે કેવડિયા સરળતાથી પહોંચી શકાય છે.