Sat Nov 07 2026

Logo

સ્ટાર-યાર-કલાકારઃ સિનેમાના પડદા પર બળવો ને રસ્તા પરની ક્રાંતિ!

2026-10-23 07:49:31
Author: Sanjay Chhel
સ્ટાર-યાર-કલાકારઃ સિનેમાના પડદા પર બળવો ને રસ્તા પરની ક્રાંતિ!

સંજય છેલ 

ભલે પ્રેક્ટિકલ બનો પણ અશક્ય વાતની માગણી કરો!
-1968માં ફ્રાંસના વિદ્યાર્થી આંદોલનનું સૂત્ર.
============
ક્રાંતિ, કોઈ લંચપાર્ટી નથી. 
-માઓ ત્સે તુંગ
============
સિનેમામાં મને સૌથી વધુ પ્રેરણા આપે છે  આઝાદી.
-ઈરાની ફિલ્મકાર મોહમ્મદ રસૂલોફ
============
 1968માં ફ્રાન્સના મશહૂર કાન્સ ફેસ્ટિવલમાં અસાધારણ ઘટના બનેલી. બહાર વિદ્યાર્થીઓ અને કામદારો સરકાર સામે બળવો કરી રહ્યા હતા ને અંદર ફિલ્મોના શો ચાલતા હતા ત્યારે ગોદાર્દ અને ફ્રાંસ્વા ત્રુફો જેવા વિખ્યાત દિગ્દર્શકોએ સવાલ ઉઠાવ્યો: ‘દેશ સળગી રહ્યો હોય ત્યારે આપણે ફિલ્મો કેવી રીતે જોઈ શકીએ?’ ફિલ્મકારોએ રીતસર પડદો પકડીને ફિલ્મોના શો અટકાવ્યા. આખરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પણ અધવચ્ચે બંધ કરવો પડેલો. ત્યારે સત્તા વિરુદ્ધ સિનેમાજગત ખુદ રસ્તા પર ઊતરી આવ્યું હતું!

આજકાલ ભારતમાં જેન- ઝી  જનરેશન, કોક્રોચ પાર્ટીનાં યુવાનો અને વિદ્યાર્થીઓ સત્તા કે સરકાર સામે આંદોલન કરે છે. કોઇક આને સરકાર સામે આક્રોશ માને છે કોઇ દેશદ્રોહી પ્રવૃત્તિ. ત્યારે આપણે જાણવું જોઈએ કે ‘યુવા-આંદોલન’નો વિશ્વ- શું ઇતિહાસ છે.

દુનિયાના ઇતિહાસમાં યુવાબળવો અને સિનેમાનો સંબંધ જૂનો છે. ફ્રાન્સનાં જનઆંદોલન પહેલાં ગોદાર્દે ‘લા શિન્વાઝ’ (1967) બનાવી હતી. એક ફ્લેટમાં રહેતા પાંચ યુવાન માઓવાદી પુસ્તકો વાંચે છે, ક્રાંતિની યોજનાઓ ઘડે છે અને પોતાને દુનિયા બદલનારા માને છે. અહીં નિર્દેશક ગોદાર્દ જાણે પૂછે છે : ક્રાંતિ વિશે વાંચવું અને ક્રાંતિ કરવી એ એક જ બાબત છે? અને આ ફિલ્મની રિલીઝના થોડા મહિનાઓ પછી ફ્રાન્સના રસ્તાઓ પર ખરેખર વિદ્યાર્થીઓનો બળવો ફાટી નીકળ્યો.

ભારતમાં બળવાની ફિલ્મોનો ઇતિહાસ સ્વાતંત્ર્યસંગ્રામથી શરૂ થાય છે. ‘આનંદમઠ’ જેવી અનેક ફિલ્મો રાજકારણની વતા કરે છે અને વંદે માતરમ્ જેવું અમર ગીત ફિલ્મમાં મૂકે છે. ત્યારે ‘દૂર હટો ઓ દુનિયવાલોં, હિંદોસ્તા હમારા હૈ‘ જેવાં ગીતો અંગ્રેજો સામે ફિલ્મોમાં ગવાતા. પછી મનોજ કુમારની અવિસ્મરણિય ‘શહીદ’ જેવી ફિલ્મોએ ભગત સિંહ જેવા શહીદ ક્રાંતિકારી યુવાનને પડદા પર જીવંત રાખ્યા. આઝાદી પછી બંગાળના બલ્કિ ભારત કે જગતના મહાન નિર્દેશક સત્યજિત રાયની ‘પ્રતિદ્વંદી’ (1970)માં બેરોજગાર સિદ્ધાર્થ ઇન્ટરવ્યૂમાં ચંદ્ર પર માનવીના ઉતરાણ કરતાં વિયેટનામના લોકોના પ્રતિકારને વધુ મહત્ત્વ આપે છે.

એ જ રીતે બંગાળી ફિલ્મકાર મૃણાલ સેનની ‘ઇન્ટરવ્યૂ’, ‘કલકત્તા 71’ અને ‘પદાતિક’માં બેરોજગારી, નક્સલવાદ અને વર્ગસંઘર્ષથી ધગધગતું કલકત્તા છે. 1960-70માં ‘નઇ ઉમર કી નઇ ફસલ’, 1980-90ના દાયકાઓમાં કાફિલા- ગુંજ કે ગુલાલ જેવી ફિલ્મોએ યુવા પોલિટિક્સની વાત કરેલી, પણ લોકો સુધી એ પહોંચી નહીં. ગોવિંદ નિહલાનીની ‘હઝાર ચૌરાસી કી મા’માં ક્રાંતિમાં મૃત્યુ પામેલા પુત્રને સમજવાનો પ્રયાસ કરતી માતા છે. સુધીર મિશ્રાની ‘હઝારોં ખ્વાહિશેં ઐસી’માં આદર્શો, પ્રેમ અને રાજકીય ભ્રમણાઓ વચ્ચે ફસાયેલા યુવાનો છે. મણી રત્નમની ‘યુવા’ ફિલ્મ કે રામગોપાલ વર્માની ‘શિવા’ પણ યુવા આક્રોશને ફિલ્મી રીતે સ્પર્શે છે.

આ બધી ફિલ્મોમાં રાકેશ ઓમપ્રકાશ મહેરાની સફળ અને અદ્ભુત ફિલ્મ ‘રંગ દે બસંતી’ (2006) સૌથી અલગ છે. ભગતસિંહની ભૂમિકાઓ ભજવતા બેફિકર યુવાનો પોતાના સમયના અન્યાય સામે બળવો કરે છે. ફિલ્મે દેશપ્રેમને નાગરિક જવાબદારી સાથે જોડ્યો અને મીગ ફાઇટર પ્લેનના કૌભાંડ વિશે વાત કરેલી. એમાં મીણબત્તીઓ લઈને રસ્તા પર ઊતરતા યુવાનોનાં દૃશ્યો, દેશને વિરોધ કરાવાની રીત શીખવી ગયા.

અમારી લખેલી બોલ્ડ ફિલ્મમાં સુપરસ્ટાર શાહરુખ અને અઝીઝ મિર્ઝાની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ (2000)માં બે ટીવી પત્રકારો સત્તા, રાજકારણ અને સમાચાર માધ્યમોના વેપાર સામે ઊભા રહે છે. અંતે સામાન્ય નાગરિકોનો સામૂહિક વિરોધ ફિલ્મનું કેન્દ્ર બને છે. એમાંયે આજે ન્યૂઝ ચેનલો અને સરકારી પ્રચાર વચ્ચેની ધૂંધળી રેખા જોતાં તેનો વિષય વધુ આજનો લાગે છે.

1975ની ઇંદિરાની કટોકટી વિશેની ફિલ્મોમાં ‘કિસ્સા કુર્સી કા’ (1977) ચર્ચાયેલી વધુ પણ પ્રતિબંધિત હોવાથી લોકો સુધી પહોંચી જ નહીં. મધુર ભંડારકરની ’ઇન્દુ સરકાર’ (2017)ના લેખનમાં પણ અમે જોડાયેલા હતા, 1975ની કટોકટીની પૃષ્ઠભૂમિમાં સામાન્ય સ્ત્રીના પ્રતિકારની વાર્તા કહે છે. સેન્સરશિપ, ધરપકડો અને વ્યક્તિગત સ્વતંત્રતા પરનાં નિયંત્રણો વચ્ચે એક સાધારણ સ્ત્રી પોતાનો અવાજ શોધે છે.

ફરી વિશ્વ સિનેમા પર આવીએ.. બ્રિટિશ ફિલ્મ ‘ઇફ....’(1968)માં ફિલ્મકાર લિન્ડસે એન્ડરસને એક બોર્ડિંગ સ્કૂલને આખી સત્તાવ્યવસ્થાનું પ્રતીક બનાવી. વિદ્યાર્થીઓ પરનું દમન છેવટે હિંસક બળવામાં પરિણમે છે. ત્યાર બાદ જીનિયસ ફિલ્મકાર સ્ટેનલી કુબ્રિકની ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ (1971)માં પણ યુવા આક્રોશ જોવા મળ્યો. ત્યાં હિંસક યંગ લોકોનો પ્રહાર વધુ હચમચાવી નાખનારો હતો. ફિલ્મનો સંદેશ હતો કે હિંસા રોકવાના નામે સરકાર, નાગરિકોની સ્વતંત્રતા છીનવી શકે ખરી ?

  ઇટાલિયન એન્ટોનિયોનીની ‘ઝાબ્રિસ્કી પોઇન્ટ’ (1970)માં વિયેતનામ યુદ્ધવિરોધી યુવાનોનો આક્રોશ, યુદ્ધખોર અમેરિકાના વિરોધમાં ફેરવાય છે. ફિલ્મનો વિસ્ફોટક અંત જાણે આખી વૈભવી સંસ્કૃતિને ઉડાવી દેવાની કલ્પના છે.

કોસ્ટા ગ્રેવ્રાસની ‘ઝેડ’ (1969) રાજકીય હત્યા ને સત્તાના ષડ્યંત્રને રોમાંચક થ્રિલરમાં ફેરવે છે. જિલો પોન્ટેકોર્વોની ‘ધ બેટલ ઑફ અલ્જિયર્સ’ (1966)માં ફ્રેન્ચ શાસન સામેનો સશસ્ત્ર સંઘર્ષ એટલો વાસ્તવિક લાગે છે કે જાણે ન્યૂઝરીલ કે ડોક્યુમેંટરી જોઈ રહ્યા હોઈએ. ફિલ્મ ક્રાંતિકારીઓની હિંસા અને સત્તાના દમન, બંનેને અસ્વસ્થ કરનારી રીતે રજૂ કરે છે.

જોકે 1989ના ચીનના ટાઇનામેન ચોકમાં અસંખ્ય વિદ્યાર્થીઓને હણી નાખવામાં આવેલા ત્યારે દુનિયા હલી ગયેલી. દક્ષિણ કોરિયાની 1987: વ્હેન ધ ડે કમ્સ (2017)માં પોલીસ કસ્ટડીમાં વિદ્યાર્થીનું મૃત્યુ આખા દેશના લોકશાહી આંદોલનને વેગ આપે છે. અહીં કોઈ સુપરહીરો નથી. સામાન્ય નાગરિકો, પત્રકારો અને વિદ્યાર્થીઓ મળીને ઇતિહાસ બદલે છે.

 બીજી તરફ કટ્ટર ઈરાનમાં તો ફિલ્મ બનાવવી એ પોતે બળવો બની ગયો છે! જાફર પનાહીએ એમની ફિલ્મોને પેન ડ્રાઇવમાં બહાર મોકલીને રજૂ કરેલી. મોહમ્મદ રસૂલોફની ‘ધ સીડ ઑફ ધ સેક્રેડ ફિગ’ (2024)માં આંદોલન રસ્તા પરથી ઘરની અંદર પ્રવેશે છે. સરકારી ન્યાયાધીશ પિતા અને સ્વતંત્રતા ઝંખતી દીકરીઓ સામસામે આવી જાય છે. રસૂલોફે ગુપ્ત રીતે આ ફિલ્મ બનાવી અને સજા રૂપે દેશ છોડવો પડ્યો. અહીં કેમેરો જ વિરોધનું હથિયાર છે.

તાજેતરનાં બાંગ્લાદેશ, શ્રીલંકા ને નેપાળનાં યુવા આંદોલનોએ અસંતોષની ચિનગારી વડે આખી રાજકીય વ્યવસ્થાને હચમચાવી મૂકેલી. આજકાલ તો ફ્રાંસમાં યુવાન લોકો સરકાર વિરુદ્ધ હિંસાત્મક બળવો પોકારી રહ્યા છે.

હવે દુનિયામાં દરેક હાથમાં મોબાઇલ છે. દરેક બળવાખોર યુવાન પોતે જ કેમેરામેન છે, ફિલ્મકાર છે. આજના સોશ્યલ મીડિયાએ કદાચ સૌથી મોટી ક્રાંતિ એ આપી છે કે પ્રજા હવે સત્તાથી ડરવાનું બંધ કરે!