અમદાવાદઃ શહેરના એસપી રિંગ રોડનો દરરોજ હજારો મુસાફરો ઉપયોગ કરે છે. 31 ડિસેમ્બર, 2026ના રોજ અહીં ટોલની મર્યાદ મુદત પૂર્ણ થાય છે. જે બાદ 1 જાન્યુઆરી, 2027થી સરદાર પટેલ રિંગ રોડ પર અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ટોલ વસૂલાતની જવબાદારી પોતાના હસ્તક લેવાની તૈયારી કરી રહ્યું છે. આ તારીખથી જ નવા ટોલ દર અમલમાં આવી શકે છે.
76 કિમી લાંબો છે રિંગ રોડ
એક અહેવાલ મુજબ, આ નવી વ્યવસ્થા હેઠળ ટોલ પ્લાઝા ચલાવવા માટે ઔડાએ ખાનગી એજન્સી મારફતે મેનપાવર લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઓથોરિટી સીધી રીતે ટોલની આવક એકત્ર કરશે અને 76 કિલોમીટર લાંબા રિંગ રોડને ચાર લેનમાંથી છ લેન પહોળો કરવાના રૂ. 2,200 કરોડના પ્રોજેક્ટ પર કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોને એન્યુઇટી ચૂકવણી કરશે.
15 વર્ષ સુધી ટોલ ટેક્સ વસૂલશે
સૂત્રોએ જણાવ્યું કે આ નવી વ્યવસ્થા હેઠળ ઓથોરિટી 15 વર્ષ સુધી ટોલ ટેક્સ વસૂલશે. ટેન્ડરમાં નિર્ધારિત ફોર્મ્યુલા મુજબ ટોલ દરોમાં સુધારો કરવામાં આવશે, જ્યારે કોન્ટ્રાક્ટરોને દર છ મહિને એન્યુઇટી ચૂકવણી મળશે.
ટેન્ડર બહાર પાડવામાં આવ્યા
હાઇબ્રિડ એન્યુઇટી મોડલ હેઠળ, પ્રોજેક્ટ ખર્ચના 60 ટકા કોન્ટ્રાક્ટરો ભોગવશે અને બાકીના 40 ટકા હિસ્સો ઔડા ચૂકવશે. અપગ્રેડ થયેલા આ રોડ પર નવા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. મેનપાવર મેળવવા તથા અન્ય કામો માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે, અને પસંદ કરાયેલી ખાનગી એજન્સી ઔડાની દેખરેખ હેઠળ ટોલ પ્લાઝા પર સ્ટાફ તૈનાત કરશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.