Wed Oct 14 2026

Logo

દિશા સાલિયાન કેસ: સૂરજ પંચોલીએ તોડ્યું મૌન, કહ્યું- ‘હું ક્યારેય દિશા કે આદિત્ય ઠાકરેને મળ્યો નથી’

2026-09-24 20:22:38
Author: Mumbai Samachar Team
દિશા સાલિયાન કેસ: સૂરજ પંચોલીએ તોડ્યું મૌન, કહ્યું- ‘હું ક્યારેય દિશા કે આદિત્ય ઠાકરેને મળ્યો નથી’

મુંબઈઃ બોલીવુડના જાણીતા એક્ટર સૂરજ પંચોલીએ દિશા સાલિયાનના મોત સાથે જોડાયેલા મામલે લાંબી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને પોતાનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. સૂરજે દાવો કર્યો છે કે તે ક્યારેય દિવંગત દિશા સાલિયાન કે શિવસેના (યુબીટી) નેતા આદિત્ય ઠાકરેને મળ્યો નથી. તેણે કહ્યું કે આ મામલે છેલ્લા ઘણા વર્ષોથી તેનું નામ ખેંચવામાં આવી રહ્યું છે અને તેના કારણે તેને ઓનલાઈન ટ્રોલિંગ ગાળો તેમ જ જાનથી મારી નાખવાની ધમકીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.

સૂરજે પોતાની પોસ્ટમાં કહ્યું કે તેની પાસે છુપાવવા જેવું કંઈ નથી અને તે તપાસથી ભાગી પણ રહ્યો નથી. તેણે તપાસ એજન્સીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવાની અપીલ કરી છે. સૂરજે કહ્યું હતું કે જો તપાસમાં તેની કોઈ સંડોવણીનો પુરાવો મળે તો તે કાયદા મુજબની સજા ભોગવવા માટે તૈયાર છે. પરંતુ જો તપાસમાં તેની કોઈ ભૂમિકા ન હોવાનું સામે આવે તો આ વાત સ્પષ્ટ રીતે લોકો અને મીડિયા સમક્ષ મૂકવામાં આવે તેવી તેની માંગ છે.

સૂરજે જણાવ્યું હતું કે તે છેલ્લા ઘણા સમયથી અનેક બાબતો પર મૌન રહ્યો છે. તેના જણાવ્યા પ્રમાણે, તેના વિશે કેટલીક વાતો માની લેવામાં આવી, કેટલીક બાબતો રિપોર્ટ થઈ અને કેટલાક સવાલો એવા હતા જે તેને ક્યારેય સીધા પૂછવામાં આવ્યા જ નહોતા.

તેણે કહ્યું કે જ્યારે તેને યોગ્ય તક મળશે ત્યારે તે દરેક સવાલનો સીધો અને ઈમાનદારીથી જવાબ આપશે. સૂરજે એ પણ કહ્યું કે તે કોઈ કેમેરાની પાછળથી બૂમો પાડીને સવાલ કરનાર વ્યક્તિ સામે નહીં, પરંતુ એવા પત્રકાર અથવા ઈન્ટરવ્યુઅર સામે વાત કરવા માંગે છે જે તેની સામે બેસીને મુશ્કેલ અને અસહજ સવાલો પણ સીધા પૂછી શકે. તેના મતે વાતચીત તથ્યો, સંયમ અને પત્રકારત્વની મૂળભૂત સમજ સાથે થવી જોઈએ.

સૂરજ પંચોલીએ પોતાની પોસ્ટમાં સૌથી સ્પષ્ટ વાત કરતાં કહ્યું કે તેણે પોતાના જીવનમાં ક્યારેય દિશા સાલિયાન કે આદિત્ય ઠાકરે સાથે મુલાકાત કરી નથી. તેણે કહ્યું કે તેમ છતાં સોશિયલ મીડિયા પર તેને સતત નિશાન બનાવવામાં આવ્યો છે. સૂરજના જણાવ્યા પ્રમાણે, તેને વિવિધ પ્રકારની ગાળો આપવામાં આવી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી. 

તેણે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં તેનું નામ એવી બાબતો સાથે જોડવામાં આવ્યું જેની સાથે તેનો કોઈ સંબંધ નહોતો. હવે જ્યારે તે પોતાની જિંદગી, કરિયર અને ભવિષ્યને ફરીથી ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે તે આ મુદ્દે ફરી મૌન રહેવા માંગતો નથી.

પોસ્ટના અંતમાં સૂરજે કહ્યું કે તે કોઈની સહાનુભૂતિ કે પોતાના પક્ષમાં ઊભા રહેવાની માંગ કરી રહ્યો નથી. તેની માંગ માત્ર પારદર્શિતા અને સંપૂર્ણ તપાસની છે. તેણે કહ્યું કે તેણે તપાસમાં સહયોગ આપ્યો છે, સવાલોના જવાબ આપ્યા છે અને કોઈપણ તપાસનો સામનો કરવા માટે તે તૈયાર છે. 

દિશા સાલિયાનના મોત મામલે સપ્ટેમ્બર 2026માં સીબીઆઈ તપાસ શરૂ થઈ છે. બોમ્બે હાઈ કોર્ટે 2 સપ્ટેમ્બરે દિશાના પિતા સતીશ સાલિયાનની અરજી બાદ સીબીઆઈ તપાસના નિર્દેશ આપ્યા હતા અને ત્યાર બાદ એફઆઈઆર નોંધાઈ હતી. આ એફઆઈઆરમાં અનેક લોકોના નામનો ઉલ્લેખ થયો છે, પરંતુ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી માત્ર એફઆઈઆરમાં નામ હોવાને ગુનામાં દોષિત હોવાનો પુરાવો માનવામાં આવતો નથી.

દિશા સાલિયાનનું જૂન 2020માં મુંબઈમાં એક બિલ્ડિંગ પરથી પડી જવાથી મોત થયું હતું. હવે આ મામલે સીબીઆઈ દ્વારા ફરી તપાસ કરવામાં આવી રહી છે. સૂરજ પંચોલીએ તપાસ એજન્સીઓને અપીલ કરી છે કે મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને જો તેની કોઈ સંડોવણી ન હોવાનું સામે આવે તો તેને પોતાની જિંદગી આગળ વધારવાની તક આપવામાં આવે.