નવી દિલ્હી: કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેણે પોતાની આગામી આત્મકથા 'બિલોગિંગ: અ જર્ની ઓફ લવ’ની પ્રથમ ઝલક શેર કરી છે. આ પુસ્તક 10 નવેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે. જોકે, સોનિયા ગાંધીની પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમના અંગત જીવન અને પુસ્તક સાથે જોડાયેલી ખાસ ક્ષણોની ઝલક જોવા મળી છે. ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યા પછી સોનિયા ગાંધી કોંગ્રેસ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ફોલો કરે છે, જ્યારે નવ વાગ્યે પોસ્ટ કર્યા પછી લાખો લોકોએ તેને જોઈ લીધી છે, જ્યારે પ્રતિક્રિયા પણ આપી છે.
સોનિયા ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'નમસ્કાર સૌને, 'બિલોગિંગ: અ જર્ની ઓફ લવ’ની પ્રથમ ઝલક તમારી સાથે શેર કરતાં મને ખૂબ આનંદ થાય છે. આ પ્રેમ, ફરજ, વિયોગ અને પોતાની ઓળખ તથા સંબંધની જગ્યા શોધવાની વાર્તા છે. હું આ પુસ્તક તમારી સાથે શેર કરવા આતુર છું.' આ સંદેશ દ્વારા તેણે પુસ્તકના મુખ્ય વિષયોનો પરિચય કરાવ્યો છે. પુસ્તકમાં પ્રેમ, જવાબદારી, પરિવાર અને જીવનના મુશ્કેલ અનુભવોને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે.
સોનિયા ગાંધી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તે પુસ્તકોથી ભરેલી લાઇબ્રેરીમાં બેઠેલા જોવા મળે છે. તે પુસ્તકનાં પાનાં ફેરવીને તેમાં સામેલ તસવીરો નિહાળે છે. આ દરમિયાન તેની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે જોવા મળે છે. પુસ્તકમાં પ્રિયંકાની તસવીરો જોઈને સોનિયા ગાંધી લખે છે, 'પ્રિયંકા, ઘણી બધી તસવીરો છે.' વીડિયોમાં માતા-પુત્રી વચ્ચેનો લાગણીસભર સંબંધોનું પાસું પણ જોવા મળ્યું હતું.
આ પુસ્તક સોનિયા ગાંધીના જીવનની અંગત અને મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર પ્રકાશ પાડશે. અગાઉ જાહેર કરવામાં આવેલા ટીઝરમાં તેના બાળપણથી લઈને ગાંધી પરિવાર સાથેના જીવનપ્રવાસની ઝલક દર્શાવવામાં આવી હતી. સોનિયા ગાંધીની ઇન્સ્ટાગ્રામ પરની એન્ટ્રી અને આત્મકથાની પ્રથમ ઝલકને કારણે રાજકીય વર્તુળો ઉપરાંત પુસ્તકપ્રેમીઓમાં પણ રસ વધ્યો છે. આ પુસ્તકમાં તેઓ પોતાના જીવન, પરિવાર અને લાંબા જાહેર જીવન સાથે જોડાયેલા અનુભવોને કેવી રીતે રજૂ કરે છે, તેના પર સૌની નજર રહેશે.