Sat Nov 07 2026

Logo

સોશિયલ મીડિયામાં ઝેર ઓકવું ભારે પડ્યું: લાગણી દુભાવી ધમકી આપનાર બે શખ્સો સામે અંજાર પોલીસની લાલ આંખ

2026-10-23 12:41:00
Author: Mumbai Samachar Team
સોશિયલ મીડિયામાં ઝેર ઓકવું ભારે પડ્યું: લાગણી દુભાવી ધમકી આપનાર બે શખ્સો સામે અંજાર પોલીસની લાલ આંખ

ભુજઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાજની લાગણી દુભાય તેવી અણછાજતી ટિપ્પણીઓ કરવા, ફોન પર થયેલી વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર બનાવમાં અંજાર પોલીસે બે શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીધામના ગણેશનગરમાં રહેતા ગોપાલ વેલજી સોંદરા દ્વારા સોશિયલ મીડિયામાં નિયમિત પોસ્ટ મૂકવામાં આવતી હતી. આ પોસ્ટ પર રામજી મારૂ તથા માવજી જેપાર નામના બે શખ્સો સમાજની લાગણી દુભાય અને શાંતિ જોખમાય તેવી વિવાદાસ્પદ કોમેન્ટ્સ કરતા હતા. આ બાબતે વાંધો ઉઠાવીને ફરિયાદી ગોપાલ સોંદરાએ રામજી મારૂને ફોન કરીને આવી ટિપ્પણીઓ ન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, ફોન પર વાતચીત દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઈષ્ટદેવ વિશે અપશબ્દો બોલી ધાર્મિક અને સામાજિક લાગણી દુભાય તેવું અશોભનીય વર્તન કર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ આ ફોન કોલનું ઓડિયો રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધું હતું.

આ સમગ્ર વિવાદ વધુ વણસે નહીં તે હેતુથી ફરિયાદી તેમજ સમાજના આગેવાનો આરોપીના ઘરે રૂબરૂ સમજાવટ માટે ગયા હતા. તે વેળાએ આરોપીઓ દ્વારા ઉશ્કેરાઈ જઈને ફરિયાદી તથા હાજર રહેલા સાહેદોને જાનથી મારી નાખવાની તેમજ ખોટા કેસોમાં ફિટ કરાવી દેવાની ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. આ મામલે ફરિયાદીની ફરિયાદના આધારે અંજાર પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી  હતી.

(ઉત્સવ વૈદ્ય)