Thu Nov 19 2026

Logo

કોંગ્રેસ સાંસદ શ્યામકુમાર બર્વેએ મહિલા સાંસદને થપ્પડ મારી? વાયરલ વીડિયો પર નેતાઓએ આપી સ્પષ્ટતા

2026-11-04 21:38:58
Author: Mumbai Samachar Team
કોંગ્રેસ સાંસદ શ્યામકુમાર બર્વેએ મહિલા સાંસદને થપ્પડ મારી? વાયરલ વીડિયો પર નેતાઓએ આપી સ્પષ્ટતા

નાગપુરઃ નાગપુરથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના રામટેકના સાંસદ શ્યામકુમાર બર્વે પક્ષના જ અન્ય મહિલા સાંસદ પ્રતિભા ધનોરકરને થપ્પડ મારતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રામટેકના સાંસદ શ્યામકુમાર બર્વે પક્ષના અન્ય સાંસદ પ્રતિભા ધનોરકરને થપ્પડ મારતા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. જો કે, બંને નેતાએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક મજાક હતી.

આ ઘટના ૧ નવેમ્બરે દિલ્હીમાં ચૂંટણી પંચ વિરુદ્ધ વિપક્ષ દ્વારા આયોજિત વિરોધ રેલી દરમિયાન, એક બસમાં બની હતી. વીડિયોમાં ધનોરકર, સાંસદ વર્ષા ગાયકવાડની બાજુમાં બેઠેલા અને એક જોક પર હસતા જોવા મળે છે. ત્યારબાદ બર્વે તેમની બાજુમાં ઊભા રહીને તેમને હળવા હાથે થપ્પડ મારતા દેખાય છે. ચંદ્રપુરના લોકસભા સાંસદ ધાનોરકર ચોંકી જાય છે અને અસ્વસ્થ દેખાય છે.

બુધવારે મીડિયા સાથે વાત કરતા બર્વેએ કહ્યું કે ધનોરકર તેમની નાની બહેન સમાન છે, અને પક્ષને બદનામ કરવા માટે આ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા અને તેમાં બીજું કંઈ ખાસ નહોતું. 

સાથે જ તેમણે નાગપુરમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો દ્વારા પક્ષના નેતૃત્વને આ ઘટના અંગે ફરિયાદ કરતો જે ઈમેલ મોકલવામાં આવ્યો હોવાનું કહેવાય છે, તેને પણ "ફેક" ગણાવીને ફગાવી દીધો હતો.

બીજી તરફ, ધનોરકરે પણ આ ઘટનાને બહુ મહત્વ આપ્યું નથી. તેમણે પત્રકારોને જણાવ્યું કે, તેઓ અને અન્ય કેટલીક મહિલા નેતાઓ બર્વેની વૈવાહિક જીવન  વિશે મજાક-મસ્તી કરી રહ્યા હતા, ત્યારે બર્વેએ મજાકમાં તેમને થપ્પડ મારી હતી.