Tue Nov 10 2026

Logo

ફાઇનાન્સ તથા બૅંકિંગ ક્ષેત્રે ‘શુભ-લાભ’નો અર્થ સમજી લેવો જોઈએ...

2026-11-01 09:24:09
Author: Jayesh Chitaliya
ફાઇનાન્સ તથા બૅંકિંગ ક્ષેત્રે ‘શુભ-લાભ’નો અર્થ સમજી લેવો જોઈએ...

દિવાળીના આગમનની તૈયારીના અવસરે શુભ-લાભનો સાચો અર્થ સમજીએ અને આપણા નાણાકીય જગત અને ઉદ્દેશો માટે પણ આ સત્યને જાણીએ  

જયેશ ચિતલિયા

આપણે શુભ-લાભનો અર્થ શું કરીએ છીએ? બસ, બધામાં લાભ, આપણો લાભ અને માત્ર લાભ.

આ શબ્દની વ્યક્તિગત વ્યાખ્યા કંઈ પણ હોય, પરંતુ જ્યારે જાહેર જવાબદારીઓની વાત આવે ત્યારે તેનો અર્થ લાભ સાથે શુભને જોડવામાં થવો જોઈએ. આ વિષયને તાજેતરમાં રિઝર્વ બૅંકના ડેપ્યુટી ગવર્નરે બૅંકિંગ ક્ષેત્રને અર્થાત્ બૅંકો અને નાણાં સંસ્થાઓને બહુ સરસ-સરળ ભાષામાં પોતાના એક વક્તવ્યમાં સમજાવ્યો હતો, જેને જાણવા-સમજવામાં સાર છે.

રિઝર્વ બૅંકના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને ‘શુભ લાભ’ની દિવાળી પરંપરાનો ઉલ્લેખ કરી બૅંકો-નાણાકીય સંસ્થાઓને સમજાવતાં સરસ વાત કરી છે. તેમણે કહ્યું છે કે મજબૂત વહીવટ, ન્યાયી આચરણ અને ગ્રાહક વિશ્વાસ સાથે વિકાસને સંતુલિત કરવો જોઈએ. ‘શુભ લાભ’નો ઉપયોગ કરીને બૅંકોએ જવાબદારી સાથેની વૃદ્ધિ માટે મજબૂત નિયંત્રણો અને ગ્રાહકોનો વિશ્વાસ જીતવાને પ્રાથમિકતા આપવી જોઇએ. ડેપ્યુટી ગવર્નરે વૃદ્ધિની ગુણવત્તા અને કાયદેસરતા પર વિશેષ ભાર મૂકયો છે.

નાણાકીય સ્થિતિસ્થાપકતા અને મજબૂત મૅનેજમેન્ટ માટે સામે થોડું સહન કરવાની તૈયારી પણ રાખવી જોઈએ. નાણાકીય સંસ્થાઓના વિકાસનું મૂલ્યાંકન ફક્ત તેમના કદ દ્વારા જ નહીં, પરંતુ યોગ્ય નિયંત્રણો અને આચારસંહિતા દ્વારા પણ થવું જોઈએ એવો સ્પષ્ટ મત વ્યક્ત કરતાં તેમણે બૅલેન્સ શીટની ગુણવત્તા અને કાયદેસરતા સમજાવવા માટે પણ ‘શુભ લાભ’નો ઉપયોગ કર્યો હતો. સ્થિતિસ્થાપકતા નાણાકીય સંસ્થાઓના વિકાસ માટે જરૂરી પાયો બનાવે છે અને યોગ્ય નિર્ણય તેમ જ સુશાસનનો વિશ્વાસ ઊભો કરે છે.

નવરાત્રિના ત્રણ વિભાગ

 નવરાત્રિને ટાંકતાં વધુ એક મહત્ત્વનો સંદેશ એ આપ્યો છે કે આ નવ દિવસોને ત્રણ-ત્રણ દિવસોમાં જૂથબદ્ધ કરવામાં આવ્યા છે, પહેલો દુર્ગા સાથે, બીજો લક્ષ્મી સાથે અને છેલ્લો સરસ્વતી સાથે. આ ક્રમમાંથી એ ઉપદેશ લેવા જેવો છે કે શક્તિ પહેલાં આવે તે પછી સમૃદ્ધિ આવે અને શાણપણ અને સમજદારી ત્રીજા ચરણમાં આવી તેને ટકાવી રાખવામાં મદદ કરે છે.

લાભ શુભ પણ હોવો જોઈએ નાણાકીય દૃષ્ટિએ જોઇએ તો સ્થિતિસ્થાપકતા વિકાસ માટેનો પાયો રચે છે. તે પછી યોગ્ય નિર્ણય અને સુશાસન ફાઇનાન્સિયલ હસ્તીને વિશ્વાસ સંપાદન કરવામાં મદદ કરે છે અને એ વિશ્વાસ ટકાવી રાખવા માટે સદ્બુદ્ધિ વાપરીને સમજદારીપૂર્વક વિકાસના માર્ગે ચાલવું જોઇએ. દિવાળીમાં પરંપરાગત રીતે આવો જ વિચાર દેખાય છે, જેમાં નવા વર્ષના ચોપડાપૂજનમાં સૌપ્રથમ ‘શુભ લાભ’ શબ્દો લખી શરૂઆત કરવાની પરંપરા જોવા મળે છે. ભારમાત્ર  ‘લાભ’ - લાભ અથવા સમૃદ્ધિ - પર જ નહીં, પણ  ‘શુભ’ પર પણ આપવો જોઇએ કેમ કે શુભત્વ લાભની ગુણવત્તા અને કાયદેસરતા વધારે છે, તેથી તેનું પણ એટલું જ મહત્ત્વ ગણાય એવી સમજણ પણ સ્વામીનાથને આપી હતી.

વિશ્વાસ સૌથી મોટી ઍસેટ

આમ શુભ-લાભનો આવો અર્થ સમજીને નાણાકીય સંસ્થાઓએ આગામી બૅલેન્સ શીટનું કદ વધારવા ચોક્કસ કસોટીઓમાંથી પસાર થવું પડે એવી વાત પણ તેમણે સમજાવી હતી. ‘વૃદ્ધિનું મૂલ્યાંકન ફક્ત તેની ગતિ કે સ્કેલ દ્વારા જ ન કરવું જોઈએ, પરંતુ તેની પાછળનાં નિયંત્રણોની તાકાત, તેને ટેકો આપતું ન્યાયપૂર્ણ અમલીકરણ અને તે ટકાવી રાખવા જોરદાર વિશ્વાસ સંપાદન પણ જરૂરી ગણાય. ડેપ્યુટી ગવર્નરે ભારતીય નાણાકીય વ્યવસ્થા મજબૂત સ્થિતિમાં હોવાનો સંકેત કરી આગામી તબક્કામાં જવા માટે સંપત્તિની ગુણવત્તામાં સુધારાને જરૂરી ગણાવ્યા છે.

જોકે પડકાર એ છે કે સિસ્ટમ જેમ જેમ વધે છે, ટેક્નૉલૉજી-સઘન બને છે અને તે વધુ એકબીજા સાથે જોડાયેલી રહે છે તેમ તેમ આ શક્તિઓને જાળવી રાખવાનો મોટો પડકાર પણ ઉદ્ભવે છે. તેમણે  ત્રણ બાબત પર વિશેષ ભાર આપ્યો છે. પહેલું જેમ જેમ સંસ્થાઓ વિકાસને અનુસરે છે અને ઘર્ષણ દૂર કરે છે, તેમ તેમ નિયંત્રણો પ્રક્રિયા સાથે વિકસિત થવાં જોઈએ અને ગ્રાહકોના વિશ્વાસને એક એવી સંપત્તિ ગણવી જોઈએ કે જેના સર્જન માટે સતત રોકાણની જરૂર હોય છે. બીજૂં સ્થિતિસ્થાપકતાને ફક્ત બફર તરીકે ન ગણતાં સંસ્થા પોતાની ખામીઓ શોધી શકે તેમને સુધારવા જરૂરી નિર્ણયો ઝડપથી લઈને પૂર્વવત્ પ્રગતિ કેટલી ઝડપે કરે છે તે ગતિનું મહત્ત્વ સમજી એ મુજબની તૈયારીઓ કરવી જોઈએ.

ત્રીજું આપણી સામે તકો તો અપાર હોય છે, પરંતુ ખાતરી કરવાની જવાબદારી બને છે કે નવીનતા માટે સુયોગ્ય નિર્ણયો, મજબૂત નિયંત્રણો દ્વારા વૃદ્ધિ સાથે મહત્ત્વાકાંક્ષા અને સ્થિતિસ્થાપકતાનો મેળ બેસવો જોઇએ. જો આપણે આ સંતુલન જાળવી રાખી શકીએ તો આગામી બૅલેન્સશીટનું માત્ર કદ જ મોટું નહીં, પણ એની મજબૂતી પણ ગૌરવ લેવા જેવી હશે. આ દિવાળીએ આપણે ભારતીય પ્રજા-નાગરિક તરીકે પણ આ સિદ્ધાંતોને અપનાવીએ તો કેવું અને કેટલું સારું!