Thu Nov 19 2026

Logo

આવતી કાલે શ્રેયસની ટીમને એકસાથે બે હૅટ-ટ્રિકની તક: જાણો, કેવી રીતે...

Wellington   2026-10-26 13:26:00
Author: Ajay Motiwala
આવતી કાલે શ્રેયસની ટીમને એકસાથે બે હૅટ-ટ્રિકની તક: જાણો, કેવી રીતે...

વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે આવતી કાલે (બપોરે 12.30 વાગ્યાથી) પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની ત્રીજી મૅચ રમાશે અને એ પણ જીતીને શ્રેયસ ઐયરની ટીમ આ શ્રેણીમાં વિજયની હૅટ-ટ્રિક કરી શકશે. હાલમાં ભારત (India) 2-0થી આગળ છે. ન્યૂ ઝીલૅન્ડ સિરીઝના પરાજયથી બચવા ફાંફા મારી રહ્યું છે. ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) છેલ્લી બંને હોમ સિરીઝ ભારત સામે હાર્યું છે અને હવે વર્તમાન સિરીઝ પણ હારશે તો ભારતની એ બીજી હૅટ-ટ્રિક કહેવાશે. 2020માં ભારતે 5-0થી અને 2023માં 1-0થી વિજય મેળવ્યો હતો.

વેલિંગ્ટનમાં ભારતનો રેકૉર્ડ સારો નથી, પણ તાજેતરમાં જ એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીતનાર ટીમ ઇન્ડિયાનું વર્તમાન ફૉર્મ જોતાં રસાકસી વચ્ચે સતત ત્રીજો રોમાંચક વિજય મળે પણ ખરો.

વેલિંગ્ટનમાં કિવીઓ 2-1થી આગળ

ભારતે કિવીઓ સામે પ્રથમ મૅચ બે બૉલ અને બીજી મૅચ એક બૉલ બાકી રાખીને જીતી લીધી હતી. પહેલી મૅચમાં નમન ધીર અને બીજી મૅચમાં તિલક વર્મા મૅચ-ફિનિશર બન્યો હતો. વેલિંગ્ટનમાં કિવીઓ ભારત સામે બે ટી-20 જીત્યા છે અને ત્રીજી મૅચમાં ભારતે સુપરઓવરમાં વિજય મેળવ્યો હતો.

ઈશાન હજી અનફિટ: વૈભવને વધુ એક મોકો

ઈશાન કિશન હજી પૂરેપૂરો ફિટ નથી એટલે વૈભવ સૂર્યવંશીને બીજી મૅચ બાદ હવે આવતી કાલની ત્રીજી મૅચમાં પણ રમવાની તક મળી શકે. જોકે તેને ફરી એક વખત ત્રીજા નંબર પર બૅટિંગમાં મોકલવામાં આવશે એવી શક્યતા છે.

ન્યૂ ઝીલૅન્ડના બે પેસ બોલર સ્કવૉડની બહાર

ન્યૂ ઝીલૅન્ડે બાકીની મૅચો માટે ટીમમાં ફેરફાર કર્યા છે. પેસ બોલર લૉકી ફર્ગ્યુસન અને મૅટ હેન્રીને ઇજા તેમ જ વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે ટીમની બહાર રાખવામાં આવ્યા છે. ફર્ગ્યુસન ત્રીજી મૅચમાં નહીં રમે અને ચોથી તથા પાંચમી મૅચ માટે સીધો ઑકલૅન્ડ પહોંચી જશે. મૅટ હેન્રી વન-ડે સિરીઝ માટેના ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ શરૂ કરી દેશે. ન્યૂ ઝીલેન્ડનું ટીમ મૅનેજમેન્ટ બ્લેર ટિકનર, જૉશ ક્લાર્કસન અને મૅટ ફિશરને સ્કવૉડમાં સમાવી રહ્યું છે.