Mon Nov 16 2026

Logo

શિવસેનાની દશેરા રેલી: એકનાથ શિંદેને ફરી સીએમ બનાવવાનો સંકલ્પ, ભાજપનો જવાબ પણ વાયરલ

2026-10-21 19:35:51
Author: Mumbai Samachar Team
શિવસેનાની દશેરા રેલી: એકનાથ શિંદેને ફરી સીએમ બનાવવાનો સંકલ્પ, ભાજપનો જવાબ પણ વાયરલ

મુંબઈ: દશેરા નિમિત્તે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ યોજાયેલા દશેરા મેળાવડામાં શિવસેનાના નેતાઓએ એકનાથ શિંદેને મુખ્યપ્રધાન પદે બેસાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમાં વરિષ્ઠ નેતા રામદાસ કદમે જણાવ્યું હતું કે ૨૦૨૪માં એકનાથ શિંદે જ મુખ્યપ્રધાન પદના દાવેદાર હતા અને તેમના જ નેતૃત્વમાં આપણે ચૂંટણીઓ જીતી હતી. હવે આ મુદ્દે ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે. 

ભાજપ મહાયુતિએ ૨૦૨૪માં તત્કાલીન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડીને ૨૩૨ બેઠકો સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો, જેથી શિવસેનાના નેતાઓ અને ધારાસભ્યોને પૂર્ણ વિશ્વાસ હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જ બનશે; પરંતુ ભાજપે સૌથી વધુ બેઠકો જીતી હોવાથી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં સરકાર રચાઈ, જે પછી શિવસેનાના નેતાઓ તરફથી સતત શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો સંકલ્પ કે નિવેદનો સામે આવી રહ્યા છે. 

ભાજપના પ્રવક્તા નવનાથ બને શિવસેના નેતાઓના નિવેદન પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યુ હતું કે, દરેક પક્ષના કાર્યકરોને એવું લાગે છે કે મુખ્ય પ્રધાન પોતાના જ નેતા બને. પરંતુ, જ્યાં સુધી ધારાસભ્યોનો આંકડો મેળ ખાતો નથી, ત્યાં સુધી કોઈ મુખ્ય પ્રધાન બની શકતું નથી. આ વાત પર ભાર મૂકતા નવનાથ બને જણાવ્યું કે સંખ્યાબળ જ મુખ્ય પ્રધાન નક્કી કરે છે. 

હાલ ભાજપ પાસે ૧૩૭ ધારાસભ્યો છે, અને તેથી જ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન બન્યા છે. દરેક પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જાળવી રાખવા માટે આવા નિવેદનો સતત કરવામાં આવતા હોય છે. મુખ્ય પ્રધાન પદ માટે કોઈ લડાઈ નથી, આ નિવેદનો એટલા માટે કરવામાં આવે છે જેથી કાર્યકરો કામે લાગી શકે, પ્રેરણા મળે, શક્તિ મળે, નવનાથ બાને કહ્યું હતું.