મુંબઈ : મહારાષ્ટ્રમાં દુષ્કાળની ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોની વહારે રાજ્ય સરકાર આવી છે. રાજ્યના ૨૬૫ તાલુકામાં દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને વિવિધ રાહતો અને સવલતો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને મુશ્કેલીના સમયમાં સરકાર એકલા નહીં છોડે અને ‘ખેડૂતોની દિવાળીમાં અંધારું નહીં છવાવા દઈએ’ એવી ખાતરી આપી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી મુખ્ય પ્રધાન સહિત પ્રધાન મંડળના સભ્યો ખેડૂતોના ખેતરો સુધી પહોંચી તેમની સમસ્યાઓ જાણી રહ્યા હતા. કૃષિ અને મહેસૂલ વિભાગ પાસેથી રાજ્યની સ્થિતિનો વિગતવાર અહેવાલ મેળવ્યા બાદ ટ્રિગર-૧ લાગુ થયેલા ૨૬૫ તાલુકામાં દુષ્કાળ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિંદેએ બાંયધરી આપતા જણાવ્યું હતું કે આ નિર્ણય માત્ર કાગળ પરની જાહેરાત નહીં રહે, પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે માટે પગલાં લેવામાં આવશે.
ખેડૂતો પર આર્થિક બોજ ન વધે તે માટે જમીન મહેસૂલમાં રાહત, પાક કર્જનું પુનર્ગઠન અને ખેતી સંબંધિત કર્જની વસૂલાતમાં સ્થગિતી આપવામાં આવી છે. કૃષિ પંપના વીજબીલમાં પણ સવલત જાહેર કરવામાં આવી છે. સાથે જ દુષ્કાળની સ્થિતિમાં ખેડૂતોના ખેતીપંપનું વીજ જોડાણ કાપવામાં ન આવે તેવા સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે.
દુષ્કાળની અસર ખેડૂતો ઉપરાંત ખેતમજૂરો, પશુધન અને સમગ્ર ગ્રામ્ય અર્થવ્યવસ્થા પર ન પડે તે માટે રોજગારની વધુ તકો ઉપલબ્ધ કરાવવા રોહયોના માપદંડોમાં છૂટછાટ આપવામાં આવી છે. પીવાના પાણીની જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. ખેડૂતો અને ખેતમજૂરોને અન્નધાન્યની અછત ન પડે તેમજ પશુઓ માટે પૂરતો ચારો મળી રહે તે માટે પણ વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.
પાકના નુકસાનના પંચનામા પણ તાત્કાલિક શરૂ કરવાનો આદેશ જિલ્લા કલેક્ટરોને આપવામાં આવ્યો છે. પાકની વાસ્તવિક સ્થિતિના ફોટોગ્રાફ અને જીપીએસ કોઓર્ડિનેટ્સ સાથે નોંધ કરવામાં આવશે. નુકસાનના આધારે ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાય અંગે અલગથી સરકારી નિર્ણય જાહેર કરવામાં આવશે. બીજી તરફ, દુષ્કાળગ્રસ્ત પરિવારોના વિદ્યાર્થીઓને રાહત આપવા શાળા અને કોલેજની પરીક્ષા ફીમાં માફી આપવામાં આવી છે.
શિંદેએ કહ્યું કે દુષ્કાળ જાહેર કરવો એ માત્ર શરૂઆત છે, પરંતુ ખેડૂતો સુધી વાસ્તવિક મદદ પહોંચાડવી સરકારનું અંતિમ લક્ષ્ય છે. તેમણે ખેડૂતોને ચિંતા ન કરવાની અને અંતિમ નિર્ણય ન લેવાની અપીલ કરી હતી. રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવામાં આવશે. દરમિયાન, પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર શેતકરી કર્જમુક્તિ યોજનામાં આધાર વેરીફીકેશન પૂર્ણ કરનારા ૧૨.૫૮ લાખ ખેડૂતોને ઓગસ્ટના અંત સુધીમાં રૂ. ૧૦,૧૧૫ કરોડનું વિતરણ કરવામાં આવ્યું હોવાની માહિતી પણ શિંદેએ આપી હતી.