વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 1165.92 કરોડની લેવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 3681.28 કરોડની વેચવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારોમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને આઈટી શૅરોમાં રોકાણકારોની વ્યાપક લેવાલીને ટેકે સતત બીજા સત્રમાં તેજી જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 413.36 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 148.80 પૉઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જોકે, સાપ્તાહિક ધોરણે બીએસઈ બૅન્માર્ક સેન્સેક્સ 3.11 ટકા અથવા તો 2256.94 પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 2.77 ટકા અથવા તો 625.70 પૉઈન્ટ વધીને બંધ રહ્યો હતો.
વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 19,51.59 કરોડની ખરીદી સામે રૂ. 18,785.67 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 1165.92 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 17,201.80 કરોડની ખરીદી સામે રૂ. 20,863.08 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 3681.28 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે બજાર નિયામક સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયાએ ગઈકાલે (ગુરુવારે) ક્લોઝિંગ ઑક્શન સેશન, ટ્રેડિંગના સમય અને સ્ટોક તથા ઈન્ડેક્સ ડેરિવેટીવ્સ કોન્ટ્રાક્ટનાં સેટલમેન્ટ ભાવની આકારણી માટેના માળખામાં ફેરફાર કર્યા હતા. આ સુધારિત માળખામાં કામકાજના દિવસોમાં બપોરે 3.30થી 3.40 દરમિયાન 10 મિનિટ માટે ક્લોઝિંગ ઑક્શન સેશન રાખવામાં આવ્યું છે, જ્યારે ઈન્ડેક્સ ટ્રેડિંગ અને સ્ટોક ડેરિવેટીવ્સના કામકાજ બપોરે 3.45 સુધી ચાલુ રહેશે. જોકે તેમાં પૂરા થતા અથવા તો પાકતા ઈન્ડેક્સ ડેરિવેટીવ્સ કોન્ટ્રાક્ટ્સ માટે અપવાદ રાખવામાં આવ્યો હોવાનું સર્ક્યુલરમાં જણાવ્યું છે.
વધુમાં હવે પાકતા ડેરિવેટવવ્સ કોન્ટ્રાક્ટનું સેટલમેન્ટ છેલ્લી 30 મિનિટ્સનાં ક્નટીન્યુઅસ ટ્રેડિંગનાં વૉલ્યુમ વેઈટેડ એવરેજ ભાવનાં આધારે કરવામાં આવશે. આ ફેરફારો હાલના માળખાની સમીક્ષા કર્યા બાદ તેમ જ જાહેર મંતવ્યો અને સેબીની સેક્નડરી માર્કેટ એડવાઈઝરી કમિટીની ભલામણો અને એક્સચેન્જ સાથેની વાટાઘાટો પશ્ચાત્ કરવામાં આવ્યા હોવાનું સર્ક્યુલરમાં ઉમેર્યું હતું.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 74,315.61ના બંધ સામે સાધારણ સુધારા સાથે 74,341.08ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 74,012.99 અને ઉપરમાં 74,778.78ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.56 ટકા અથવા તો 413.36 પૉઈન્ટના સુધારા સાથે 74,729.27ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 22,997.35ના બંધ સામે વધીને 23,065.10ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 22,913.80 અને ઉપરમાં 23,149.85ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.65 ટકા અથવા તો 148.80 પૉઈન્ટ વધીને 23,146.15ની સપાટીએ બંધ રહ્યો હતો.
તાજેતરમાં જાહેર થયેલા વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળાના આઈટી ક્ષેત્રનાં પ્રોત્સાહક પરિણામો ઉપરાંત કંપનઓના મેનેજમેન્ટ દ્વારા ભવિષ્યમાં આવક જળવાઈ રહેવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હોવાથી આઈટી ક્ષેત્રના શૅરોમાં નીકળેલી રોકાણકારોની વ્યાપક લેવાલી ઉપરાંત વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના ભાવમાં વધ્યા મથાળેથી નરમાઈનું વલણ રહેતાં બજારનાં સુધારાને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આજે બે્રન્ટ ક્રૂડ તેલના ભાવ 0.30 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 105.6 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 3.92 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જે દર્શાવે છે કે બીજા ત્રિમાસિકગાળાના પ્રોત્સાહક પરિણામોને ટેકો આપતા રોકાણકારોનાં વિશ્વાસમાં વદધારો થવાની સાથે વ્યાપક લેવીલી નીકળી છે, એમ ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થટૅક કંપની એન્રીચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું. તે જ પ્રમાણે રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે આઈટી કંપનીઓનાં બીજા ત્રિમાસિકગાળાના પ્રોત્સાહક પરિણામોને ધ્યાનમાં લેતા રોકાણકારોની વ્યાપક લેવાલી નીકળતાં અન્ય ક્ષેત્રનાં શૅરોમાં પણ લેવાલીનો ટેકો મળ્યો હતો. વધુમાં ડૉલર સામે રૂપિયામાં ધોવાણ અટકવાને કારણે પણ બજારનાં સેન્ટિમેન્ટમાં પરિવર્તન જોવા મળ્યું હતું.
આજે બીએસઈ ખાતે કુલ 4616 શૅરોમાં કામકાજ થયા હતા. તેમાંથી 2333 શૅરના ભાવ વધીને, 2053 શૅરના ભાવ ઘટીને અને 230 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. અને આજે 126 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 127 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 18 શૅરના ભાવ વધીને અને 12 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 8.45 ટકાનો ઉછાળો એચસીએલ ટેક્નોલૉજીસમાં જોવા મળ્યો હતો.
ત્યાર બાદ અનુક્રમે ટીસીએસમાં 4.61 ટકાનો, ઈન્ફોસિસમાં 4.55 ટકાનો, ભારતી એરટેલમાં 2.86 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 2.38 ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં 1.38 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં ઈન્ડિગોમાં 2.23 ટકાનો, રિલાયન્સમાં 1.09 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં એક ટકાનો, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 0.71 ટકાનો અને આઈટીસી તથા લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં 0.66 ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેનાં મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સ અને સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં અનુક્રમે 0.37 ટકાનો અને 0.14 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય બીએસઈના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આઈટી ઈન્ડેક્સમાં 3.38 ટકાનો, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 3.29 ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 1.56 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 0.78 ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં 0.77 ટકાનો, કૉમોડિટી ઈન્ડેક્સમાં 0.70 ટકાનો અને પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 0.55 ટકાનો સુધારો આવ્યો હતો. જોકે તેની સામે હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડેક્સમાં 1.19 ટકાનો, હોસ્પિટલ ઈન્ડેક્સમાં 0.78 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 0.72 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 0.62 ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં 0.64 ટકાનો અને એફએમસીજી ઈન્ડેક્સમાં 0.44 ટકાનો ઘટાડો આવ્યો હતો.
એશિયન બજારોમાં આજે દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225, શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ બાઉન્સબૅક સાથે સુધારાના ટોને બંધ રહ્યો હતો. તેમ જ મધ્ય સત્ર દરમિયાન યુરોપના બજારોમાં પણ સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના અહેવાલ હતા.