Sun Nov 15 2026

Logo

બૅન્કિંગ અને એફએમસીજી શૅરોમાં વ્યાપક લેવાલીએ સેન્સેક્સમાં 905નો ઉછાળો, નિફ્ટી 22,900ની સપાટીએ

2026-10-29 19:53:00
Author: Ramesh Gohil
બૅન્કિંગ અને એફએમસીજી શૅરોમાં વ્યાપક લેવાલીએ સેન્સેક્સમાં 905નો ઉછાળો, નિફ્ટી 22,900ની સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યાના નિર્દેશો સાથે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ખાસ કરીને બૅન્કિંગ અને એફએમસીજી ક્ષેત્રના શૅરોમાં વ્યાપક લેવાલી નીકળતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 905.01 પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 237.90 પૉઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને 22,900ની સપાટી પાર કરી ગયો હતો. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 73,246.03ના બંધ સામે સાધારણ સુધારા સાથે 73,268.47ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 73,181.90 અને ઉપરમાં 74,151.04 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 1.24 ટકા અથવા તો 905.01 પૉઈન્ટ વધીને 74,151.04ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 22,698.85ના બંધ સામે વધીને 22690.65ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 22,656.75 અને ઉપરમાં 22,961.95ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 1.05 ટકા અથવા તો 237.90 પૉઈન્ટ વધીને 22,936.75ની સપાટીએ બંધ રહ્યો હતો. 

અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે વ્યાજર યથાવત્‌‍ રાખવા લીધેલો નિર્ણય, ક્રૂડ તેલના ભાવમાં વધ્યા મથાળેથી જોવા મળેલો સાધારણ ઘટાડો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 871.83 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા આજે ખાસ કરીને એફએમસીજી શૅરો, ફાઈનાન્સિયલ, આઈટી અને રિઅલ્ટી ક્ષેત્રોમાં રોકાણકારોની વ્યાપક લેવાલી સાથે સ્મોલકેપ અને મિડકેપ શૅરોમાં પણ લેવાલીનો ટેકો મળતાં બજારમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. 

વધુમાં તાજેતરમાં જાહેર થઈ રહેલા કોર્પોરેટ પરિણામોમાં ચોક્કસ કંપનીઓમાં આવકમાં સ્થિરતા જળવાઈ રહેવાની સાથે સ્થાનિક માગનો ટેકો મળી રહ્યો છે. જોકે, ઈનપૂટ ખર્ચમાં થઈ રહેલા વધારાથી આવકો દબાણ હેઠળ રહેવાની, ક્રૂડ તેલના ભાવમાં વધારો, ડૉલર સામે રૂપિયામાં ધોવાણ અને વૈશ્વિક ભૂરાજકીય તણાવ જેવાં જોખમી પરિબળો પણ હોવાનું તેમણે ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે બે્રન્ટ ક્રૂડ તેલના ભાવ ગઈકાલના બંધ સામે 1.18 ટકા ઘટીને બેરલદીઠ 113.96 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે આજે લાર્જકેપ સ્ટોકમાં રોકાણકારોની નીકળેલી લેવાલીએ બૅન્ચમાર્કમાં ઉછાળાને ટેકો આપ્યો હતો. તેમ જ ફેડરલ રિઝર્વની બેઠકને ધ્યાનમાં લેતા વ્યાજદર સંવેદનશીલ એવા આઈટી અને ફાઈનાન્સ ક્ષેત્રનાં શૅરોમાં લેવાલી ઉપરાંત એફએમસીજી, રિઅલ્ટી શૅરોમાં લેવાલીએ તેજીને ટેકો આપ્યો હોવાનું એસબીઆઈ સિક્યોરિટીઝનાં ફંડામેન્ટલ રિસર્ચ વિભાગના હેડ સની અગ્રવાલે જણાવ્યું હતું. જોકે, હવે આગામી દિવસોમાં અમેરિકાનાં રોજગારી તથા જીડીપીનાં ડેટા, યુરોપનાં જીડીપી અને બેરોજગારીના ડેટા તેમ જ આવતીકાલના બૅન્ક ઑફ જાપાનનાં વ્યાજદર અંગેનાં નિર્ણય પર રોકાણકારોની મીટ મંડાયેલી રહેશે, એમ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં વૅલ્થ મેનેજમેન્ટ વિભાગના રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું. 

આજે બીએસઈ ખાતે કુલ 4588 શૅરોમાં કામકાજ થયા હતા, જેમાંથી 2654 શૅરના ભાવ વધીને, 1716 શૅરના ભાવ ઘટીને અને 218 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર ચાર શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ 1.44 ટકાનો ઘટાડો ટ્રેન્ટમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે મારુતિ સુઝુકીમાં એક ટકાનો, ટૅક મહિન્દ્રામાં 0.20 ટકાનો અને એચડીએફસી બૅન્કમાં 0.13 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 5.17 ટકાનો ઉછાળો અદાણી પોર્ટસમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે કોટક મહિન્દ્રા બૅન્કમાં 3.86 ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં 3.70 ટકાનો, ઈટર્નલમાં 3.46 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 2.56 ટકાનો અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં 2.43 ટકાનો સુધારો આવ્યો હતો. 

વધુમાં આજે બીએસઈ ખાતેનાં સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં યુટિલિટી ઈન્ડેક્સમાં 3.11 ટકાનો, પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 2.63 ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં 2.44 ટકાનો, એફએમસીજી ઈન્ડેક્સમાં 1.94 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 1.77 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 1.63 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.55 ટકાનો અને ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 1.30 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે ઑટો ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો. 

દરમિયાન આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં અને હૉંગકૉંગના હૅંગસૅંગ ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો, જ્યારે જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.