Sun Oct 11 2026

Logo

આઈટી શૅરોમાં ધોવાણ થતાં સેન્સેક્સ 330 પૉઈન્ટ અને નિફ્ટી 85 પૉઈન્ટ તૂટ્યો

2026-09-22 20:00:06
Author: Ramesh Gohil
આઈટી શૅરોમાં ધોવાણ થતાં સેન્સેક્સ 330 પૉઈન્ટ અને નિફ્ટી 85 પૉઈન્ટ તૂટ્યો

વિદેશી ફંડોની રૂ. 3809.99 કરોડની વેચવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 4120.07 કરોડની લેવાલી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ વૈશ્વિક ઈક્વિટી માર્કેટનાં પ્રોત્સાહક અહેવાલો અને ક્રૂડ તેલના ભાવ પણ બેરલદીઠ 100 ડૉલરની અંદર ઊતરી ગયાના નિર્દેશો છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ખાસ કરીને આઈટી, ફાઈનાન્સ અને કેપિટલ ગૂડ્સ શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 329.91 પૉઈન્ટ અને 85.30 પૉઈન્ટ તૂટીને બંધ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર આજે બીએસઈ ખાતે આઈટી શૅરોમાં મુખ્યત્વે હેક્ઝાવૅર ટેક્નોલૉજીસમાં 2.23 ટકાનો, ટીસીએસમાં 1.13 ટકાનો, ઈન્ફોસિસમાં 0.98 ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજીસમાં 0.80 ટકાનો અને ટેક મહિન્દ્રામાં 0.51 ટકાનો ઘટાડો આવતા બૅન્ચમાર્ક વધુ દબાણ હેઠળ આવ્યા હતા. 

વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 9845.81 કરોડની ખરીદી સામે રૂ. 13,655.80 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 3809.99 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 14,599.72 કરોડની ખરીદી સામે રૂ. 10,479.65 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 4120.07 કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે. 

આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 74,858.99ના બંધ સામે સુધારાના અન્ડરટોને 74,901.50ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં 74,423.71 અને ઉપરમાં 75,038.93ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.44 ટકા અથવા તો 329.91 પૉઈન્ટના ઘટાડા સાથે 74,529.08ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 23,414.30ના બંધ સામે વધીને 23,454.05ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 23,285.75 અને ઉપરમાં 23,489ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.36 ટકા અથવા તો 85.30 પૉઈન્ટના ઘટાડા સાથે 23,329ની સપાટીએ બંધ રહ્યો હતો. 

એકંદરે આજે ક્રૂડતેલમાં ભાવઘટાડો, વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને અમેરિકી બૉન્ડની યિલ્ડમાં પીછેહઠ જેવાં બાહ્ય પરિબળો તેજીને ટેકો આપનારા રહ્યા હોવા છતાં આઈટી, ફાઈનાન્સ અને ક્નઝ્યુમર ગૂડ્સ ક્ષેત્રના શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહેતાં બજારમાં પીછેહઠ જોવા મળી હોવાનું ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થ ટૅક કંપની એનરિચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું. 

ક્રૂડ તેલના ભાવમાં અને અમેરિકી બૉન્ડની યિલ્ડમાં જોવા મળેલો ઘટાડો થતાં આજે સત્રના આરંભે સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ખાસ કરીને આઈટી શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ પ્રબળ રહેતાં સુધારો ટકી નહોતો શક્યો અને બૅન્ચમાર્કમાં પીછેહઠ જોવા મળી હોવાનું રિસર્ચ એનાલિસ્ટ કંપની એચએસટી વૅલ્થનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર હરિસેલ્વન રાધાકૃષ્નને જણાવ્યું હતું. 

આજે બીએસઈ ખાતે કુલ 4581 શૅરમાં કામકાજ થયા હતા, જેમાં 2087 શૅરના ભાવ વધીને, 2279 શૅરના ભાવ ઘટીને અને 215 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 177 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 99 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર સાત શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જેમાં સૌથી વધુ 1.94 ટકાનો વધારો થયો હતો. ત્યાર બાદ અનુક્રમે ઈન્ડિગોમાં 1.58 ટકાનો, ટાઈટનમાં 0.72 ટકાનો, ટાટા સ્ટીલમાં 0.60 ટકાનો, એનટીપીસી અને મારુતિ સુઝુકીમાં 0.15 ટકાનો અને અદાણી પોર્ટસમાં 0.12 ટકાનો સુધારો આવ્યો હતો. જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં બજાજ ફિનસર્વમાં 1.62 ટકાનો, ટ્રેન્ટમાં 1.47 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 1.46 ટકાનો, સનફાર્મામાં 1.28 ટકાનો, ટીસીએસમાં 1.13 ટકાનો અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં એક ટકાનો ઘટાડો આવ્યો હતો. 

વધુમાં આજે બીએસઈ ખાતેનાં મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.27 ટકાનો અને સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સમાં 0.22 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડેક્સમાં 1.03 ટકાનો, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 1.01 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 0.87 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 0.79 ટકાનો, એફએમસીજી ઈન્ડેક્સમાં 0.68 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 0.50 ટકાનો, પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 0.50 ટકાનો, બૅન્કેક્સમાં 0.45 ટકાનો અને ઈન્સ્યોરન્સ ઈન્ડેક્સમાં 0.45 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, તેની સામે ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 1.01 ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં 0.84 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 0.59 ટકાનો અને ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી ઈન્ડેક્સમાં 0.38 ટકાનો સુધારો આવ્યો હતો. 

આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગના હૅંગસૅંગ ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. તેમ જ મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં પણ સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.