નવી દિલ્હી: દેશમાંથી એક તરફ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે ભારતથી ચીન સુધી ફેલાયેલા વાદળોની એક સેટલાઈટ તસવીર પ્રકાશમાં આવી છે. જેના લીધે હવામાન શાસ્ત્રીઓની ચિંતામાં વધારો થયો છે. આ વાદળોનું ઘટ આવરણ 4000 કિલોમીટરનું હોવાનું અનુમાન છે. જેના લીધે ફરી એક વાર ભારે વરસાદની સંભાવના છે. આ વાદળો ઉત્તર અને મધ્ય ભારતથી લઈને પૂર્વોત્તર રાજ્યો, બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધીના વિસ્તારોને અસર કરી રહ્યા છે અને ચીન સુધી વિસ્તરેલા છે.
વાદળોનો સમૂહ હિમાલયની પર્વતમાળાઓને ઓળંગતો જોવા મળ્યો
આ સેટેલાઈટ તસવીરમાં ઉત્તર અને મધ્ય ભારતમાં ઉદ્ભવેલા ભયાનક વાદળોનો સમૂહ હિમાલયની પર્વતમાળાઓને ઓળંગતો જોવા મળી રહ્યો છે. દેશમાં હાલમાં ચોમાસાની વિદાય થઈ રહી હોવા છતાં હિમાલય અને દરિયાકાંઠાના વિસ્તારો પર ભયંકર વાવાઝોડા અને મુશળધાર વરસાદનું ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે.
ભારે વિનાશક વરસાદ અને તોફાની સ્થિતિની શક્યતા
સેટેલાઇટ તસવીરોમાં કેદ થયેલું દ્રશ્ય સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વિનાશક વરસાદ અને તોફાની સ્થિતિ સર્જાઈ શકે છે.
અત્યંત જોખમી અને ગીચ વાદળોના સમૂહો રચાયા
તેમજ આશરે 4000 કિલોમીટર સુધી વિસ્તરેલા વાદળોના આ પટ્ટામાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં અત્યંત જોખમી અને ગીચ વાદળોના સમૂહો રચાયા છે. વાદળોના આ વિશાળ જથ્થા મુખ્યત્વે ભારતના પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય રાજ્યો, બાંગ્લાદેશ, મ્યાનમાર અને તેની નજીકના દરિયાકાંઠાના વિસ્તારો પર કેન્દ્રિત થયેલા છે.
સમગ્ર ખંડ વિશાળ અને શક્તિશાળી વાતાવરણીય સિસ્ટમની પકડમાં
આ તસવીર સ્પષ્ટપણે દર્શાવે છે કે આ માત્ર કોઈ એક નાના શહેર કે રાજ્યને અસર કરતી હવામાનની સામાન્ય ઘટના નથી. પરંતુ સમગ્ર ખંડ વિશાળ અને શક્તિશાળી વાતાવરણીય સિસ્ટમની પકડમાં આવી ગયો છે.