- સંજય છેલ
ટાઈટલ્સ :
નાચે એ સુખમાં રાચે. (છેલવાણી)
એક જેલરે ફાંસીના કેદીને અંતિમ ઇચ્છા વિશે પૂછી તો એણે કહ્યું :
‘મારે મરતાં પહેલાં બસ, ગરબા રમવા છે.’
પછી જેલમાં ફાંસીવાળા સાથે કેદીઓ, જેલર, પોલીસવાળાઓ બધાં જ ગરબા કરવા માંડયા. આ મોકો જોઈને ગરબા કરતાં કરતાં ફાંસીનો કેદી જેલમાંથી ફરાર થઇ ગયો. પોલીસવાળાઓએ બહુ શોધ્યો પણ એ ના જ મળ્યો. પોલીસવાળાઓને થયું કે જ્યાં ગરબા થતા હશે ત્યાં જ એને શોધીશું તો મળી જશે. એકવાર એક પાર્ટી પ્લોટમાં પેલો કેદી પોલીસવાળાંની સામે જ નાચતો નાચતો આવ્યો પણ પોલીસવાળાં ગરબા રમાવામાં એટલા મશગુલ હતા કે કેદી ફરી ત્યાંથી છટકી ગયો..અને પોલીસ તપાસ હજી ચાલુ જ છે!
શું છે કે ગરબા, ગુજરાતીઓનું પ્રથમ ને અંતિમ સત્ય છે. ‘પૃથ્વી સૂરજની આસપાસ ગોળ ગોળ ફરે છે’ એ થિયરીની જગતમાં જ્યારે શોધ પણ નહોતી થઇ એ પહેલાંયે ગુજરાતીઓ ગરબામાં ગોળ ગોળ નર્તન કે થિરકન કરતાં જ હશે એની અમને ખાતરી છે. આજે કવિ કલાપી હોત તો લખત:
‘જ્યાં જ્યાં નજર મારી પડે, ગરબા કરે છે મેદની’ 2023માં ‘યુનેસ્કો’એ પણ ગુજરાતનાં ‘ગરબા’ને ‘માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે સ્થાન આપવાની મંજૂરી આપી દીધી છે. જે ગુજરાતીઓ માટે તો એક ગર્વની વાત છે જ... અને વ્હાય નોટ? હું એક લગ્નમાં ગયેલો તો અગાઉ જેમ માથું ઓઢીને શરમાઇને મંડપમાં દુલ્હન આવતી, એની જગ્યાએ ‘હું તો આવી રે’ જેવા ગરબાની ધૂનમાં નાચતી નાચતી ક્ધયાને, મંડપમાં આવતી જોઇને મને સમજાયું કે ગરબો હવે ગંભીર પ્રસંગ હોય તો પણ ‘મસ્ટ’ છે. આમ ને આમ ક્ધયા વિદાય જેવા કરુણ પ્રસંગે પણ હવે ગરબા થવા માંડશે તો યે નવાઇ નહીં લાગે.
કોઇ ક્ધયા, રડવાને બદલે મા-બાપનું ઘર નાચતા નાચતા કેમ ના છોડી શકે? ખરેખર તો નાચવું જ સત્ય છે, દુ:ખભર્યું જીવન મિથ્યા છે. આ વાત વ્યંગથી નથી કહેતો, પણ ફિલોસોફીની ઊંચાઇ સિદ્ધ કરનાર સમાજને સલામ કરીને કહું છું કે: ‘સુખમાં કે દુ:ખમાં ગરબા તો માંગતા હી ચ હૈ!’
જો નીલ આર્મસ્ટ્રોંગ ગુજરાતી હોત તો ચંદ્ર પર પગ મૂકતાં વેંત જ એણે ગરબા કર્યા હોત.
ગુજરાતીઓનાં ડી.એન.એ.માં જ ગરબા હોય છે.
એ દિવસ દૂર નથી કે ગુજરાતી બાળક જન્મતાંવેંત જ કદાચ હોસ્પિટલમાં જ ગરબાનાં સ્ટેપ્સ લેવા માંડશે!
ઇન્ટરવલ:
હે એને રચનારે ધૂળમાં ઝબોળી ઘડી
મેળે મેળે, મોરલડી હેલે ચઢી (કાંતિ અશોક)
2015માં અમદાવાદની એક સરકારી હૉસ્પિટલમાં સ્વાસ્થ્ય મંત્રીજીના સ્વાગત માટે આઇ.સી.યુ. વોર્ડમાં ડોકટરો અને નર્સોએ ગરબા કર્યાં હતા! આઇ.સી.યુ. વોર્ડમાં ગંભીર હાલતમાં પેશન્ટો જીવન- મૃત્યુથી ઝઝૂમતાં હોય ત્યાં પણ ગરબા કરવા એ કલ્પના બહારની વાત છે પણ આવી ઘટના એ હકીકત છે. ખરેખર તો હૉસ્પિટલમાં ડોકટરોની ભરતી પહેલાં હવે ગરબા વિશે પરીક્ષા લેવી જોઇએ, જેથી વખત આવે આઇ.સી.યુ.માં ગરબા રમી શકે. આમ પણ જ્યાં દસ-બાર ગુજરાતીઓ લગ્ન, પાર્ટી કે સ્નેહ સંમેલનમાં મળે છે કે ત્યારે ગરબા શરુ થઇ જ જાય છેને? ઇવન, હવે તો સાહિત્યકારો પણ ક્યારેક મૂડમાં આવીને ઘણીવાર ખાસ મહાનુભાવો સાથે સ્ટેજ પર ગરબા કરે જ છેને? અને એમાં ખોટું પણ શું છે? આમે ય સાહિત્ય કોણ વાંચે છે? ગરબામાં તો બધાં નાચે છે!
ખરેખર તો એક પ્રયોગ તરીકે ચૂંટણીઓ દરમિયાન પણ મતદાન કેંદ્ર પર બધે ગરબા યોજવા જોઇએ તો કદાચ દેશમાં મતદાનનું પ્રમાણ વધી યે શકે. ભલેને પછી મતદાન રાતે રાખવું પડે. કમસેકમ જુવાન છોકરા-છોકરીઓ તો મતદાનમાં વધારે રસ તો લેતા થશે. એ બહાને કદાચ મા-બાપો પણ બાળકો પર ધ્યાન કે નજર રાખવા મતદાનમાં આવશે અને તે પણ મતદાન કરશે. આમ થવાથી મતદાન 100 ટકા સુધી પહોંચી શકશે. ગરબામાં એવી તાકાત છે જ એમાં કોઇ શંકા નથી. ઇન શોર્ટ, આ તો એક વિચાર છે કે જો ‘ચૂંટણી લોકશાહીનો ઉત્સવ કહેવાય’ તો- ‘લોકોને નચાવો ને લોકશાહી બચાવો.’
અરે, આપણા જૂના ગુજરાતી ગરબા-સંગ્રહોમાં આઝાદીની લડાઇ વખતે ‘સ્વદેશીનો ગરબો’, ‘સત્યગ્રહનો ગરબો’ એવાં અનેક ત્યારનાં સંજોગો માટેનાં ગરબા પણ જોવા મળે છે. એ જ રીતે હવે આપણે આજના સમય અનુસાર ‘ઇન્ટરનેટ બેન’ પર ગરબો ‘ચાઈનીઝ પ્રોડક્ટ બેન’ પર ગરબો કે ‘પર્યાવરણ બચાવો’નો વગેરે હવે નવા નવા ગરબા રચાવા જોઇએ. વળી, મરનાર જો ગરબા પ્રિય વ્યક્તિ હોય તો આપણે હવે શોકસભામાં જેમ લાઇવ એંકરિંગ કે સંગીત-ભજન વગેરે રાખીએ છીએ એમ મ્યુઝિક વિના બે મિનિટ સાઇલન્ટ ગરબા કરીને અંજલિ આપવી જોઈએ. આ વાત થોડી અજીબ લાગી શકે પણ ઓશો રજનીશ જેવા ઘણાં ફિલોસોફરો કહે છે જ છેને કે- ‘મૃત્યુ એક ઉત્સવ છે!’ તો કોઇ આવો ક્રાંતિકારી પ્રયોગ કરી યે શકે!
એ જ રીતે પોલીસ સ્ટેશનોમાં પણ ગરબા રમાવા જોઇએ જેથી પોલીસો અને કેદી વચ્ચે સંબંધ સુધરે. પરીક્ષાનં હોલમાં પણ પ્રશ્નપત્ર લખતાં પહેલાં ગરબા રાખવા જોઇએ, જેથી નર્વસ વિદ્યાર્થીઓ સારા મૂડમાં આવીને સારા માર્કસ મેળવી શકે. સરકાર સામે વિરોધ પ્રદર્શન કે મોર્ચાઓ કાઢવાના બદલે વિરોધનાં ગરબા કે ‘પ્રોટેસ્ટ ડાંડિયા’ યોજી શકાય.
ઇન શોર્ટ, ગરબા સત્ય છે, જીવન મિથ્યા.
એન્ડ-ટાઈટલ્સ:
આદમ: ચાલ કંઇક રમીએ,
ઈવ: ગરબા?