શારદીય નવરાત્રીમાં મા દુર્ગાની ઉપાસના માટે મહાઅષ્ટમી અને મહાનવમી તિથિનું અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે. વર્ષ 2026માં 18મી ઓક્ટોબરે મહાઅષ્ટમી છે, જ્યારે 19મી ઓક્ટોબરના રોજ સવારના સમયે પણ અષ્ટમી તિથિ રહેશે અને ત્યારબાદ મહાનવમીનો પ્રારંભ થશે. 19મી ઓક્ટોબરે આ બંને તિથિઓનો દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે, જે દરમિયાન એક અતિ પવિત્ર સમયગાળો આવે છે જેને શાસ્ત્રોમાં સંધિકાળ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, અષ્ટમી અને નવમી તિથિના મિલન વચ્ચેની આ 48 મિનિટ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવતી પૂજાને સંધિ પૂજા કહે છે.
મહાઅષ્ટમી તિથિની છેલ્લી 24 મિનિટ અને મહાનવમી તિથિની શરૂઆતની 24 મિનિટ મળીને કુલ 48 મિનિટનો સમયગાળો સંધિકાળ બને છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ જ 48 મિનિટના સંધિકાળ દરમિયાન મા દુર્ગાએ ચામુંડા સ્વરૂપ ધારણ કરીને ચંડ અને મુંડ નામના અસુરોનો વધ કર્યો હતો. આ કારણે આ પવિત્ર સમયમાં મા દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભક્તો માતાજીને લાલ વસ્ત્ર, ફૂલ, ફળ અને દીવા અર્પણ કરીને પરિવારની સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે.
સંધિ પૂજાનો શુભ મુહૂર્ત 2026
તારીખ: 19મી ઓક્ટોબર, 2026ના સોમવાર
સંધિ પૂજા શુભ મુહૂર્ત: સવારે 10.27થી સવારે 11.15 વાગ્યા સુધી
કુલ સમયગાળો: ૪૮ મિનિટ
પંચાંગ ગણતરી મુજબ, 19મી ઓક્ટોબરે સવારે 10.51 વાગ્યે અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે અને નવમી શરૂ થાય છે. સ્થાનિક સૂર્યોદય અને પંચાંગ ભેદ મુજબ સમયમાં આંશિક ફેરફાર શક્ય છે, તેથી સ્થાનિક પંચાંગનું ધ્યાન રાખવું.
શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંધિ પૂજા દરમિયાન મા દુર્ગાને 108 કમળના પુષ્પો અને માટીના 108 દીવા પ્રગટાવીને અર્પણ કરવાની પ્રાચીન પરંપરા છે. આ સાથે દેવીને બિલીપત્ર, લાલ ચૂંદડી, શૃંગારની સામગ્રી અને મોસમી ફળો ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે આ 48 મિનિટમાં શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ભક્તોને અષ્ટમી અને નવમી બંને તિથિઓનું સંયુક્ત પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
સંધિ પૂજા કરતી વખતે શું ધ્યાન રાખવું?
સંધિકાળ શરૂ થાય તે પહેલાં જ પૂજાની તમામ સામગ્રી તૈયાર રાખવી જેથી ૪૮ મિનિટના સમયમાં વિધિ સંપન્ન થઈ શકે. પૂજા દરમિયાન મા ચામુંડાના મંત્રોનો જાપ કરવો અને દેવી કવચ કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો. કેટલીક પરંપરાઓમાં આ સમયે પ્રતીકાત્મક બલિ તરીકે કોળું (કદ્દૂ), લીંબુ કે શ્રીફળ વધેરવામાં આવે છે, જ્યારે ઘણા ઘરોમાં સાત્વિક અર્ચના કરવામાં આવે છે.