ભુજઃ રાપર તાલુકાના નીલપર (સોનટેકરી) સ્થિત ગ્રામ સ્વરાજ સંઘ સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાના ચકચારી પ્રકરણમાં શાળાના આચાર્ય, ગૃહમાતા તેમજ સંસ્થાના બે સંચાલકો સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી વિગતો મુજબ, ભોગ બનનાર સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આચાર્ય વિપુલ ભાનુ ગોહિલ, ગૃહમાતા પૂજાબેન ગોહિલ તેમજ સંસ્થાના મંત્રી દિનેશ સંઘવી અને વ્યવસ્થાપક અનિરુદ્ધસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીને સંસ્થામાંથી ઘરે લાવ્યા બાદ પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો હતો કે આચાર્ય વિપુલ ગોહિલ છેલ્લા બે-ત્રણ માસથી તેને હેરાન કરતો હતો. વિદ્યાર્થિનીને એકલી રૂમમાં બોલાવી બળજબરી કર્યા બાદ સંસ્થાની પાછળ આવેલી અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધનો વિરોધ કરશે તો વાર્ષિક પરીક્ષામાં નાપાસ કરવાની કે ઓછા ગુણ આપવાની ધમકી આપી મોઢું બંધ રાખવા દબાણ કરાતું હતું.
આ મામલે સગીરાએ ગૃહમાતા પૂજાબેનને જાણ કરી ઘરે ફોન કરવા વિનંતી કરી હતી, પરંતુ ‘આપણા ગુરુજી સામે પરિવારને વાત ન કરાય’ તેમ કહી તેમણે વાત દબાવી દીધી હતી. બાદમાં વિદ્યાર્થિનીના વાલી સંસ્થા ખાતે પહોંચતાં સંચાલક દિનેશ સંઘવી અને અનિરુદ્ધસિંહે ‘પોલીસ કેસ કરશો તો તમારા પર સામો ગુનો દાખલ કરાવીશું અને સંસ્થાનું કંઈ નહીં બગાડી શકો’ તેવી ધાકધમકી આપી હતી. વધુમાં, ટ્રસ્ટના પ્રમુખ રાજેન્દ્ર ખીમાણી સાથે વાત કરાવતાં તેમણે તારીખ ૯ના આવીને મામલો પતાવી દેવાની ખાતરી આપી ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.
સંચાલકોના ડરથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂબરૂ મળી હૈયાધારણ આપતાં પરિવારે હિંમત દાખવી ફરિયાદ નોંધાવી હતી. રાપર પોલીસે આચાર્ય સહિત ચારેય આરોપીઓ સામે પોક્સો તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી પોલીસની કસ્ટડીમાં આવવાની તૈયારીમાં હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)