થાણે: સમૃદ્ધિ એક્સપ્રેસવે પર કારને આંતરી પિસ્તોલ અને ચાકુ જેવાં શસ્ત્રોની ધાકે લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. થાણે ગ્રામીણના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અનમોલ મિત્તલે જણાવ્યું હતું કે ઘટના બીજી નવેમ્બરે એક્સપ્રેસવેની નાગપુરથી મુંબઈની લેન પર બની હતી. પુણેનો વતની ખાન અબ્દુલ ફરીદ અબ્દુલ હમીદ (55) તેના ડ્રાઈવર સાથે કારમાં છત્રપતિ સંભાજીનગરથી કલવા આવી રહ્યો હતો. હમીદ કલ્યાણ તાલુકામાં પહોંચી ત્યારે આરોપીઓએ તેની કારને આંતરી હતી. હમીદની કારની આગળ આરોપીઓએ પોતાની કાર આડી ઊભી રાખી દીધી હતી.
આરોપીઓએ પિસ્તોલ અને ચાકુની ધાકે હમીદ પાસેથી રોકડ લૂંટી હતી. જોકે તે સમયે હમીદ પાસે 30 હજાર રૂપિયા જ હતા. આરોપી આ રકમ અને બન્નેના મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. હમીદની ફરિયાદને આધારે કલ્યાણ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓના વાહનને ઓળખી કાઢવામાં આવ્યું હતું.
ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપી તેમના વતન છત્રપતિ સંભાજીનગરમાં હોવાની જાણકારી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે આકાશ શેવાળે (21), આકાશ ઉસરે (23), ગોપાલ બામનાવત (24), દુર્ગેશ ફાટપુરે (21) અને લહુ બરવાલ (18)ને પકડી પાડ્યા હતા. વધુ તપાસ પોલીસ કરી રહી છે. (પીટીઆઈ)