(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જુહુમાં ફિલ્મઅભિનેતા ટાઈગર શ્રોફ પર ગોળીબારની ઘટના બાદ પોલીસે સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન ગૅલેક્સી એપાર્ટમેન્ટ ફરતેની સુરક્ષાવ્યવસ્થા વધુ કડક કરી દીધી હતી. લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગનો મુખ્ય ટાર્ગેટ સલમાન હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું હોવાથી પોલીસે ગૅલેક્સી નજીકના માર્ગ પરથી પસાર થનારાં વાહનોની પણ ચકાસણી શરૂ કરી દીધી હતી.
ટાઈગર શ્રોફ પર રવિવારની સાંજે જુહુમાં પુષ્પા પાર્ક નજીક ફૂટબૉલ ગ્રાઉન્ડની બહાર ગોળીબાર કરવામાં આવ્યા પછી ગણતરીના કલાકોમાં ફેસબુક પોસ્ટ અને એક ઑડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અનિલ પંડિત અને અનમોલ બિશ્ર્નોઈના એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલા મેસેજમાં બોલીવૂડની હસ્તીઓને ધમકી આપવામાં આવી હતી. એ જ રીતે ઑડિયો ક્લિપમાં પણ ચેતવણી અપાઈ હતી.
ઑડિયો ક્લિપમાં બોલનારી વ્યક્તિ અનિલ પંડિત હોવાનો દાવો કરાયો હતો. ક્લિપમાં ચેતવણી આપવામાં આવી હતી કે ટાઈગર શ્રોફને પહેલાં ફોન કરી સમજાવવામાં આવ્યો હતો. તેણે અમારી વાત ન માની એટલે ગોળીબાર કરાયો. સલમાન ખાન સાથે જે કામ કરશે તેનો અંજામ આ રીતે ભયાનક હશે, એવી ચીમકી ક્લિપમાં અપાઈ હતી.
બોલીવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અગાઉથી જ લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગનો ટાર્ગેટ છે. 14 એપ્રિલ, 2024ના મળસકે બાઈક પર આવેલા હુમલાખોરોએ સલમાનના નિવાસસ્થાન ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર કર્યો હતો. તે સમયે પાંચથી વધુ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. એ કેસમાં લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમણે દાવો કર્યો હતો કે સલમાનના ફાર્મહાઉસની પણ રૅકી કરવામાં આવી હતી.
ટાઈગર શ્રોફ પર ગોળીબારની ઘટના બાદ વાયરલ થયેલી ઑડિયો ક્લિપમાં પણ સલમાન ખાનના નામનો ઉલ્લેખ કરાયો હોવાથી પોલીસે તેના નિવાસસ્થાન બહારની સુરક્ષા વધારી દીધી હતી. ગૅલેક્સી એપાર્ટમેન્ટ આસપાસના માર્ગો પર પોલીસે કડક ચેકિંગ શરૂ કરી દીધું હતું. શંકાસ્પદ જણાતાં વાહનોને રોકી તેની ચકાસણી કરવામાં આવી રહી છે.